આણંદ :આજે સવારથી જ વર્તાતી ગરમીનો પારો બપોર સુધીમાં 42 પહોંચી જતા અગનજવાળાનો અનુભવ થવા પામ્યો હતો. લોકડાઉનના કારણે શહેરના માર્ગો સૂમસામ જોવા મળી રહ્યા છે. આથી કાળઝાળ ગરમીથી ખાસ કરીને ડામરના માર્ગો વધુ દાહક બની રહ્યા છે. હાલમાં કોરોનાની મહામારીના પગલે અપાયેલા લોકડાઉનના પગલે મોટાભાગના રહીશો ઘરમાં રહેવાનું સુરિક્ષત માની રહ્યાં છે.
વધી રહેલી ગરમીના કારણે મુખ્યમાર્ગોની આસપાસ વસવાટ કરતાં શ્રમજીવીઓ સહિત પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ માસના મધ્યમાં તાપમાનનું પ્રમાણ પણ યથાવત રહ્યું હોય તે પ્રકારે અંગ દઝાડતી ગરમીનો સામનો નગરજનો હાલમાં કરી રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
ત્યારે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેતા નાગરિકોએ પણ ગરમીના કારણે ઉકળાટ અનુભવી રહ્યા હોવાનો એહસાસ કર્યો હતો. બજારો બંધ રહેવાના કારણે ગરમીમાં રાહત આપતો કેરી અને શેરડીના રસની નાગરિકોને ખોટ સાલતી હતી.