- આણંદમાં કોરોનાના કેસોમાં અચાનક 3 ગણો વધારો જોવા મળ્યો
- અત્યાર સુધીમાં સૌથી વધુ 68 કોવિડના નવા કેસ અને 1નું મોત થયું
- 1502ના સેમ્પલ લેવાયા હતા જેમાં થી 68 પોઝિટિવ નોંધાયા
આણંદ: જિલ્લામાં સરકારી ચોપડે કોરોનાના સૌથી વધુ કેસ મંગળવારે નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં 15થી 20 જેટલા કેસો સામે આવતા હતા. જેમાં, અચાનક 3 ગણો વધારો જોવા મળ્યો છે. મંગળવારે, જિલ્લામાં પ્રસિદ્ધ થયેલા કોરોના સંક્રમિત દર્દીઓના આંકડાએ કહેર મચાવ્યો હતો. સાથે જ, એક દર્દીનું મોત પણ થયું હતું.
આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નવા 6,690 કોરોનાના કેસ નોંધાયા
68 લોકો સંક્રમિત થતા જિલ્લામાં ખળભળાટ મચ્યો
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે પ્રસિદ્ધ થતી કોરોના સંક્રમિત દર્દીઓની યાદીમાં 68 કેસ હોવાની જાણકારી આપવામાં આવી હતી. ફક્ત મંગળવારે જ જિલ્લામાં 1502 જેટલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી, 68 લોકો સંક્રમિત હોવાનું સામે આવતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આણંદ જિલ્લામાં અચાનક વધેલા કોરોના સંક્રમણના કારણે સંક્રમિત દર્દીઓનો આંકડો 310 થઈ ગયો છે. સાથે જ, અત્યાર સુધી જિલ્લામાં કુલ 3447 લોકો કોરનાની ઝપેટમાં આવી ચૂક્યાનો આંકડો સરકારી ચોપડે જોવા મળી રહ્યો છે. મંગળવારે ઘણા લાંબા સમય બાદ તંત્રના ચોપડે 1 વ્યક્તિનો કોરોનાએ ભોગ લીધો છે. જેથી, જિલ્લામાં મૃત્યુ આંક 17 માંથી 18 થઈ ગયો છે.
જિલ્લામાં ઓક્સિજનની પણ અછત સર્જાય તેવી સંભાવના
આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જિલ્લામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા મળી રહી નથી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત બગડી રહી છે. વધુમાં, જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની ખૂબ જ અછત જોવા મળી રહી છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, આવી પરિસ્થિતિમાં આગામી સમયે જિલ્લામાં ઓક્સિજનની પણ અછત સર્જાય તેવી સંભાવના વધી રહી છે. ત્યારે, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહી આવે તો જિલ્લો કોરોનાની ઝપેટમાં આવી જવાની શક્યતા વધી જશે.
આ પણ વાંચો: એશિયાની સોથી મોટી અમદાવદની સિવિલ હોસ્પિલની બહાર 108ની લાંબી લાઇનો લાગી
10 દિવસમાં 80થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર
આણંદ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 80થી વધુ મૃતકોના પ્લાસ્ટિક બેગમાં વિટેલા મૃતદેહોના જિલ્લાના વિવિધ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. આણંદ નગરપાલિકાના આંકડા મુજબ, જાન્યુઆરી મહિનામાં 162, ફેબ્રુઆરીમાં 122 અને માર્ચમાં 177 જેટલા મૃતકો સત્તાવાર રીતે જાહેર કરાયા છે.