- GCMMFના સભ્ય સંઘો તમામ ગ્રામ સહકારી મંડળીઓમાં અમૂલ માઈક્રો ATM પ્રોજેકટ શરૂ કરશે
- ડેરી ક્ષેત્રના ખેડૂતોને ઘર આંગણે ચૂકવણી માટે અમૂલનું માઈક્રો એટીએમ શરૂ કરાશે
- દૈનિક 140થી 150 કરોડ રૂપિયાની ડિજિટલ ચૂકવણી કરી રહી છે
- રાજકોટ જિલ્લાના એક નાના ગામ આનંદપરાએ પાઈલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે
આણંદઃ GCMMFના સભ્ય સંઘો તેમની ગ્રામ મંડળીઓને દૈનિક 140 થી 150 કરોડ રૂપિયાની ડિજિટલ ચૂકવણી કરી રહી છે. રાજકોટ જિલ્લાનું એક નાનું ગામ આનંદપરા કે જેની વસતી આશરે 4,000ની છે અને દૈનિક 2,000 લીટર દૂધ સંપાદિત કરાય છે, આ ગામે એક ઈતિહાસ સર્જ્યો છે.
આ પણ વાંચોઃ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને યોજાઇ બેઠક
સભ્યો માટે આ વ્યવસ્થા મોટી રાહત સમાન બની
આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામલીયાએ આનંદપરા ગામના ડેરીમાં દૂધ ભરાવનારા ખેડૂતોની ગ્રામ મંડળીના સભ્યો માટે આધાર કાર્ડ આધારિત અમૂલ માઈક્રો ATM સુવિધાનું વર્ચ્યૂઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ સભાસદ દૂધ મંડળીની મુલાકાત લઈને અમૂલ માઈક્રો ATM મારફતે નાણાં ઉપાડી શકે છે અને તરત જ નાણાં મેળવી શકે છે. સભ્યો માટે આ વ્યવસ્થા મોટી રાહત સમાન બની છે. કારણ કે, તેમણે બેન્કની મુલાકાત લેવામાં સમય અને પ્રવાસ ખર્ચ ભોગવવો પડતો નથી. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મહામારી દરમિયાન આ પ્રકારની ચૂકવણીની વ્યવસ્થા સલામત બની રહે છે અને આ સમગ્ર વ્યવસ્થા આધાર કાર્ડ આધારિત ચૂકવણી (અંગૂઠાથી છાપ આધારિત) હોવાથી નાણાં ઉપાડવા કોઈ પણ પ્રકારના ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જરૂર પડતી નથી.
રાજકોટથી પ્રોજેક્ટની શરૂઆત થઈ
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) (અમૂલ)ના વાઈસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ નાના, સિમાંત અને જમીનવિહોણા ખેડૂતોને આત્મવિશ્વાસ આપશે અને તેમની ભવિષ્યની જરૂરિયાતો માટે બચતની ટેવ કેળવાશે. ડિમોનેટાઇઝેશનથી અમે આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ અને તે પ્રોજેક્ટ રાજકોટથી શરૂ કર્યો છે.
દૂધ ઉત્પાદકોને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી જોડાશે
GCMMF અમૂલના ચેરમેન શામળ પટેલે પણ આ સમારંભમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, માઈક્રો ATM ટેક્નોલોજી અપનાવીને દૂધ ઉત્પાદક સભ્યોને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. GCMMFના સભ્ય સંઘો તમામ ગ્રામ સહકારી મંડળીઓમાં વહેલામાં વહેલી તકે અમૂલ માઈક્રો ATM પ્રોજેકટ શરૂ કરી દેશે. અમે છેલ્લા કેટલાક સમયથી આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “ડિજિટલ ઇન્ડિયા”ની દૃષ્ટિને પૂર્ણ કરવા અમારા માટે ગર્વની વાત છે.
નોટબંધી વખતે દૂધ ઉત્પાદકોના 25 લાખથી વધુ બેન્ક ખાતા ખોલવામાં સહાયતા કરાઈ હતી
GCMMF અમૂલના મેનેજિંગ ડિરેકટર ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, દૂર દૂરનાં ગામોમાં ડિજિટલ બેન્કિંગ ટેક્નોલાજીના અભાવને કારણે આ પ્રકારનાં ATM સ્થાપવાનો વિચાર છે. આ પ્રોજેકટ હેઠળ રાજકોટ, સુરત, ભરૂચ, અને સુરેન્દ્રનગર જિલ્લાની દૂધ સહકારી મંડળીઓને આવરી લઈને સભાસદો દ્વારા સામનો કરવો પડતો હોય તેવી તકલીફો અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોટબંધીના વખતમાં GCMMFના સભ્ય સંઘોએ દૂધ ઉત્પાદકોનાં 25 લાખથી વધુ બેન્કના ખાતાં ખોલવામાં સહાય કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના ત્રણ મુખ્ય ફાયદા છે. તમામ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધશે. વ્યક્તિની ક્રેડિટની યોગ્યતા વધશે, જે તેમના માટે ભાવિ લોન મેળવવા માટે ફાયદાકારક રહેશે અને તે બચતની ટેવ વધુ વિકસાવશે.