- ખંભાતમાં કલ્પસર યોજનાની કામગીરી અંગે પૂર્વ પ્રધાને કરી આરટીઆઈ
- પૂર્વ પ્રધાન જયેન્દ્ર ખત્રીએ આરટીઆઈ મારફતે યોજના ક્યાં સુધી પહોંચી તેની વિગત માગી
- નર્મદા જળ સંપત્તિ પાણી પૂરવઠા વિભાગનો જવાબ, સમુદ્ર શાસ્ત્ર અને પર્યાવરણીય અભ્યાસ ચાલી રહ્યો છે
આણંદઃ આ અંગે પૂર્વ પ્રધાન જયેન્દ્ર ખત્રીએ આરટીઆઈ દ્વારા સરકારને પૂછ્યું હતું કે, ગુજરાતની કાયાપલટ કરનારી કલ્પસર યોજના હાલ કયા તબક્કામાં છે? તારીખ 20 ડિસેમ્બર 2020ની સ્થિતિએ આ યોજના પાછળ કેટલો ખર્ચ થયો છે? આ યોજનાના ખર્ચ અંગે ગુજરાત સરકાર બજેટમાંથી કુલ કેટલી રકમનો સમાવેશ કરવામાં આવ્યો છે? આ યોજનાની દરખાસ્તના છેલ્લા દસ પાનાની સરકારી નોટીંગ સહિતની માહિતી આરટીઆઈ અંતર્ગત અહેવાલ માગ્યો હતો.
ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા કરાઈ રહ્યો છે અભ્યાસ
આ પ્રશ્નોના ઉત્તરમાં નર્મદા જળ સંપત્તિ પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગના અધિક્ષક ઈજનેર 7 જાન્યુઆરી 2021ના પત્ર દ્વારા જણાવ્યું હતું કે, કલ્પસર યોજનામાં ખંભાતના અખાતમાં બનાવવાનો હોવાથી સમુદ્ર શાસ્ત્ર અને પર્યાવરણીય અભ્યાસો ઉપરાંત બંધના સંલગ્ન વિવિધ પાસા તથા અસરો સહિત વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. તથા ગુજરાત તેમજ ભારતની ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા વિવિધ અભ્યાસ ચાલી રહ્યો છે. સાથોસાથ પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ બનાવવાની કામગીરી પણ હાલ પ્રગતિ હેઠળ છે.
સરકારના બજેટમાંથી રૂ. 14,729 લાખ ફાળવાયા
આ ઉપરાંત તેઓએ વધુમાં ખર્ચ અંગે જણાવ્યું હતું કે, કલ્પસર યોજનાના પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે અભ્યાસ અર્થે અત્રેની કચેરીએથી તારીખ 20 ડિસેમ્બર 20 સુધી રૂ. 14,729.86 લાખનો ખર્ચ થયો છે અને ગુજરાત સરકારના બજેટમાંથી રૂ. 14729.86 લાખનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજનાથી કયા કયા લાભ થશે?
આ યોજનાથી પીવાના પાણીની અને સિંચાઈના પાણીની અછતનો કાયમી ઉકેલ આવે તેવી યોજના છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર આશરે 200થી 250 કિલોમીટરનો ઘટાડો થશે. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગાઢ જંગલોમાં ફેરવાશે. વરસાદની સમસ્યાનો નિકાલ આવશે. 5850 મેગાવોલ્ટ વીજળી પ્રદૂષણ વગર નિર્માણ થશે. સમગ્ર ગુજરાતની ખેતી માટે બારે માસ પાણી મળશે. ડેમના મથાળે 10 માર્ગીય રસ્તાઓને એક માર્ગનું આયોજન પશુપાલન અને ખેતી ક્ષેત્રે બહોળા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. ભાવનગર અને દહેજ બંદર ધમધમતા થશે. સમગ્ર ગુજરાતમાં પાણીના પ્રશ્નો કાયમી નિકાલ થશે. ઔદ્યોગિકક્ષેત્રે પણ વિકાસ થશે.