આણંદ: જિલ્લામાં ખંભાત પાસે જય કેમિકલ લિમિટેડ ઈન્ડસ્ટ્રીઝ નામની ડાય બનાવતી કલરની કંપનીમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. જેમાં કંપનીનું ગોડાઉન બળીને ખાખ થયું છે. આગ પર કાબૂ મેળવવા આણંદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, કરમસદ, બોરસદ, વડોદરા તથા વિદ્યાનગરના ફાયર ફાઈટર છેલ્લા 7 કલાક ઉપરાંતથી પ્રયાસ કરી રહ્યા છે.
હજી સુધી આગ પર કાબૂ મેળવાયો નથી. આગના ધુમાડાથી લોકોની આંખોમાં અસહ્ય દુખાવો થતો હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. જેથી આસપાસ રહેતા નાગરિકો ઘર છોડી બહાર ખુલ્લામાં આવી ગયા હતા.
સમગ્ર ઘટનામાં કંપનીના કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા. ખંભાત આસપાસ આવેલી આવી અનેક કંપનીઓ છે જ્યાં અવારનવાર આગના કિસ્સા બનતા હોય છે. સાથે જ આવી ગંભીર ઘટનાઓમાં યેનકેન પ્રકારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફેકટરી ઈન્સ્પેક્ટર ભેદી ચુપકી ધારણ કરી લેતા હોય છે.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જોકે આગમાં જય કેનિકલ કંપનીનો એક શેડ બડીને ખાખ થઈ ગયો છે અને હજી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો નથી.