કેમિકલ અને કાપડ ભરેલા કન્ટેનર બુધવારે જ્યારે રોડની સાઇડ પર પાર્ક કરેલ હતું. રાજસ્થાનનો એક ટ્રક પાક કરેલ કન્ટેનર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. પાર્ક કરેલ કન્ટેનરમાં કેમિકલ અને પોલિસ્ટર કપડાના જથ્થામાં અકસ્માતના કારણે ભીષણ આગ લાગી હતી. જેને લઇ એક્સપ્રેસ હાઈવે પર 10 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. આણંદ નગરપાલિકાના ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કર્યા બાદ અચાનક કેમિકલના ડ્રમ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચવાની ઘટના સામે આવી હતી. આગ પર રાત્રે એક વાગે ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આણંદ ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.
બીજી તરફ સ્થાનિક મુસાફરોમાં હાઈવે પ્રશાસન પર અસુવિધા ઊભી થવાના કારણે રોષ ફાટી નીકળ્યો હતો. સાડા સાત કલાક સુધી લાગેલ ભીષણ આગના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વાહનચાલકો અને મુસાફરો માટે કોઈ પણ પ્રકારની પાયાની સુવિધાઓ એક્સપ્રેસ હાઈવે પ્રશાસન દ્વારા ઊભી ન કરાતા અનેક લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવતા ટોલ ટેક્સ છતાંય સુવિધાઓમાં અભાવ હોવાના પણ અને પ્રશ્નો ઉઠ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા આણંદ અને ખેડા જિલ્લાના SP પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા પણ ભરવામાં આવ્યા હતા.