- આણંદ જિલ્લામાં રવિવારે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- કુલ 12 લાખ ઉપરાંત મતદારો તાલુકા અને જિલ્લા પંચાયત માટે કરશે મતદાન
- કુલ 3.96 લાખ ઉપરાંત મતદારો કરશે નગરપાલિકા માટે મતદાન
આણંદ- આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઇ જિલ્લા તંત્ર સજ્જ હોવાની માહિતી જિલ્લા કલેક્ટર આર જી ગોહિલ દ્વારા આપવામાં આવી હતી આર જી ગોહેલના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના કુલ 1348 મતદાન મથકો માટે 12,15,739 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ 9405 પોલિંગ અધિકારીઓ સાથે બે હજાર ઉપરાંત પોલીસના જવાનો વ્યવસ્થા માટે ફરજ બજાવશે.
- કુલ 3,96,960 મતદારો મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે
આણંદ જિલ્લામાં આવેલી 11 નગરપાલિકામાંથી 6 નગરપાલિકામાં પણ મુદ્દત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં આણંદ, ઉમરેઠ, સોજીત્રા, બોરસદ, પેટલાદ, ખંભાત નગરપાલિકાની ચૂંટણી અને કરમસદ નગરપાલિકાના 1 વોર્ડની ખાલી થયેલી એક બેઠક માટેની પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાન હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે 6 નગરપાલિકાના 212 બેઠકો માટે કુલ 416 મતદાન કેન્દ્રો પર બૂથ ઉભા કરવામાં આવશે. જેમાં કુલ 3,96,960 મતદારો મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. સાથે કુલ 2011 કર્મચારીઓ ચૂંટણી વ્યવસ્થામાં જોડાશે, જ્યારે 1201 પોલીસ કર્મચારીઓ કાયદા અને વ્યવસ્થાની જાળવણીમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે.
- કુલ 1348 મતદાન કેન્દ્રો અને નગરપાલિકાના કુલ 416 મતદાન મથકો
આણંદ જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે કુલ 99 ઉમેદવારોએ દાવેદારી કરી છે જ્યારે 8 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે કુલ 456 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સાથે જ જિલ્લાની 6 નગરપાલિકામાં 53 વોર્ડની 212 બેઠકો માટે 582 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તાલુકા-જિલ્લા પંચાયત માટે જિલ્લામાં કુલ 1348 મતદાન કેન્દ્રો અને નગરપાલિકાના કુલ 416 મતદાન મથકો પર આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આણંદ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહેલે જણાવ્યું હતું કે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. સાથે જ વર્તમાન કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ માટેના સરકારી નિયમોનું પાલન કરે તે માટે અપીલ પણ કરી હતી.