- આણંદના ખંભાતમાં આ વર્ષે નહીં ઉજવાય દરિયાઈ ઉત્તરાયણ
- કોરોનાના કારણે દરિયાઈ ઉત્તરાયણ ન ઉજવવા આદેશ કરાયો
- દર વર્ષે વેપારીઓએ પોતે બનાવેલી પતંગ અહીં ઊડાવવા આવે છે
- ઉત્તરાયણ પછીના રવિવારે દરિયાઈ ઉત્તરાયણ ઉજવવાની છે પરંપરા
- કોરોનાના કારણે આટલા વર્ષો જૂની દરિયાઈ ઉત્તરાયણની પરંપરા તૂટશેકોરોનાના કારણે આ વર્ષે ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેશે
આણંદઃ કોરોનાના કારણે મોટા મોટા ધંધા પડી ભાંગ્યા છે. હવે આની અસર ખંભાતના પતંગ ઉદ્યોગને પણ થઈ છે. ખંભાતમાં 10 મહિના દરમિયાન પતંગ ઉદ્યોગ પર આજીવિકા મેળવતા વેપારીઓના ધંધા રોજગાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ચાલુ વર્ષે 25થી 30 ટકા જેટલી વેપારીઓને ખોટ સાંપડી છે ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ, આ વર્ષે ખંભાતની પરંપરાગત દરિયાઈ ઉત્તરાયણ પણ બંધ રાખવા કલેક્ટરે પ્રતિબંધ ઠેરવ્યો છે. વેપારીઓ સહિતના પતંગ રસિકોમા આ સમાચાર મળતા નિરાશા વ્યાપી છે.


કોરોનાના કારણે અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખી દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેશે
ચાલુ વર્ષે સરકાર ની ગાઈડલાઈન મુજબ કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ સ્થળે માનવ મેદની ભેગી કરવા પર પ્રતિબંધ ઠેરવ્યો હોવાથી આ વર્ષે દરિયાઈ ઉત્તરાયણ નહીં ઊજવાય. ખંભાત સિટી પોલીસે રવિવારે લોકમેળો એટલે કે દરિયાઈ ઉત્તરાયણ ન ઊજવવા કડક સૂચના આપી છે. એટલે પતંગ રસિયાઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી.

સૂચનાનો અમલ નહીં કરનાર સામે કડક કાર્યવાહી થશે
ખંભાત ચીફ ઓફિસર જે. જી ડાભીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પરંપરાગત દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેશે. સદર સૂચનાનો અમલ નહીં કરનાર સામે જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવશે.