- મઠીયા ચોળાફળીની માગમાં ધરખમ ઘટાડો
- ઉત્પાદનમાં 40 થી 50 ટકાનો ઘટાડો
- કોરોના વાઈરસના કારણે થયો ઘટાડો
આણંદઃ દિવાળીમાં ખવાતા મઠિયા ચોરાફળીનું ઉત્પાદન ચરોતર પંથકમાં ખૂબ જ વધ્યું છે. ચરોતરમાં બનતા મઠિયા ચોળાફળીની માગ વિશ્વસ્તરે રહેતી હોય છે. કોરોના કાળ પહેલા મઠિયા ચોરાફળીનું ઉત્પાદન જે પ્રમાણે થતું હતું, તેની સરખામણીમાં કોરોનાના કહેર બાદ મઠિયા ચોળાફળીની માગમાં ઘટાડો નોંધાયો છે.
કોરોનાની સીધી અસર મઠિયા ચોળાફળીની માગ પર થઈ
આણંદ જિલ્લાના વેપારીઓના મતે જિલ્લામાં હજારો કિલો દૈનિક મઠિયા ચોરાફળીનું આ દિવસો દરમિયાન ઉત્પાદન થતું હતું. દિવાળીના દિવસોમાં વધતી મઠિયા ચોળાફળીની માગને પહોંચી વળવા માટે વેપારીઓ દ્વારા નવરાત્રિના સમયથી દિવસ-રાત ઉત્પાદન કાર્ય ચાલુ રાખવામાં આવતા હતુ, પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે દિવાળી સમયે પણ ફક્ત એક જ શિફ્ટમાં ઉત્પાદન કાર્ય ચાલુ રખાયું છે. જેથી કોરોનાની સીધી અસર મઠિયા ચોળાફળીની માગ પર થઇ હોય તેમ વેપારીઓ માની રહ્યા છે.
ગ્રાહકો દ્વારા ખરીદીમાં નિરસતા
લોકડાઉન અને કોરોનાના કારણે જે પ્રમાણે બજારમાં આર્થિક મંદીનું સર્જન થયું છે, તેના કારણે પણ ગ્રાહકો દ્વારા ખરીદીમાં કાપ મૂકાયો હોય અને દિવાળીનો સ્વાદ મનાતા મઠિયા ચોળાફળી સિવાય દિવાળીની ઉજવણી કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેમ વેપારીઓ માની રહ્યા છે.
ચરોતર પંથકમાં 200થી વધુ મઠિયા ચોળાફળીનું ઉત્પાદન કરતાં કારખાના
ચરોતર પંથકમાં 200થી વધુ મઠિયા ચોળાફળીનું ઉત્પાદન કરતાં કારખાના આવેલા છે. જેમાં પ્રતિદિન 30થી 40 હજાર કિલો મઠિયા ચોળાફળીનું ઉત્પાદન થતું હોય છે. પરંતુ વર્તમાન કોરોનાની ઇફેક્ટ દિવાળીના સ્વાદ પર વર્તાતા આ ઉત્પાદન ઘટી અને 50 ટકા સુધી થયું છે. ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે એક ચિંતાનો માહોલ ઊભો થયો છે.