આણંદઃ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા નાર ગામમાં BRL હાઈસ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શિક્ષણ આપવામાં આવતું હોવાની ઘટના સામે આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી છે.
- રાજ્યસરકારના આદેશનો અનાદર કરી નાર ગામમાં BRL હાઈસ્કૂલ શરૂ કરાઈ
- શિક્ષણાધિકારીએ શાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની આપી બાહેંધરી
કોરોના મહામારી પગલે સરકાર દ્વારા સ્કૂલ અને કોલેજો બંધ રાખવા તથા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ નાર ગામમાં આવેલી BRL હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડીને શિક્ષણ આપવાનું શરૂ કરી દેવાયું છે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે.
નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે, ત્યારે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને BRL હાઈસ્કૂલ શાળા છેલ્લા પંદર દિવસથી બાળકોને શાળામાં ભણાવવામાં આવી રહ્યાં છે. જે અંગે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ થતાં તેમણે આ મામલે કડક તપાસ કરવાની બાહેંધરી આપી હતી. તેમજ આ અંગે ગાંધીનગરમાં જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.