- દેશમાં નવા તબક્કાની વેક્સિનેશન પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ
- ગંભીર બિમારી ધરાવતા વ્યકિતઓને અપાશે વેકિસન
- મહંત સચ્ચિદાનંદજી સ્વામીએ લીધી વેક્સિન
આણંદ: ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આણંદ જિલ્લામાં સોમવારથી 60 વર્ષથી ઉપરના તમામ વ્યકિતઓને તેમજ 45 થી 60 વર્ષની વચ્ચેના લોકો જેમને હૃદય, કિડની, કેન્સર, સિકલસેલ, એનેમિયા, બ્લડપ્રેસર, ડાયાબિટીસ, ફેકસાના રોગ, લિવરની તકલીફ જેવી ગંભીર બિમારીઓ ધરાવતા હોય તેઓ માટે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ રસીકરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.
મહંત સચ્ચિદાનંદજી સ્વામીએ દરેકને વેક્સિન લેવા માટે કરી અપીલ
રસી મૂકાવ્યા બાદ મહંત સચ્ચિદાનંદજી સ્વામીએ કહ્યું હતું કે, કોરોનાની મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે, જેનાથી આખી દુનિયા ત્રસ્ત છે. ત્યારે તેની સામે સફળ થવા માટે સરકાર તરફથી રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે. આપણી રસી આખી દુનિયામાં વખણાય છે અને તેનો પ્રચાર થઇ રહ્યો છે, ત્યારે મારાથી શરૂઆત થઇ તેને હું મારૂં સદ્દભાગ્ય સમજું છું અને જેમ મેં રસી મૂકાવી છે તેમ તમે પણ રસી મૂકાવો અને આ કોરોનાની મહામારીમાંથી બચવાનો પ્રયાસ કરી તેના ઉપાયમાં સાથ આપવા અપીલ કરુ છું.
આગામી એક માસ સુધી ચાલશે નવાં તબક્કાનું વેક્સિનેશન
જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા રસીકરણની વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું કે, હાલ જિલ્લામાં 76 સરકારી દવાખાનાઓમાં અને 11 ખાનગી હોસ્પિટલોમાં રસીની કામગીરી કરવામાં આવે છે. આગામી તા. 4થી સુધીમાં વધુ 143 હેલ્થ સેન્ટરો અને તા. 8મી સુધીમાં વધુ 50 મળી જિલ્લામાં કુલ 270થી વધુ સરકારી દવાખાનાઓ (સિવિલ હોસ્પિટલ આણંદ અને પેટલાદ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર)માં રસીકરણ શરૂ કરવામાં આવશે. જે એક માસ સુધી ચાલશે.