આણંદઃ લોકડાઉન બાદ દેશમાં જાહેર કરવામાં આવેલા અનલોક-1માં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. લોકો ધંધા રોજગારો માટે હવે બહાર ફરી રહ્યાં છે અને જાણે અજાણે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને સંક્રમિત દર્દીઓના આંકડામાં થતો સતત વધારો ચિંતાનો વિષય છે.
લોકડાઉન દરમિયાન આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પાપાપગલી ભરતું હતું,લોકડાઉનના 65 દિવસમાં ફક્ત 98 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 31 મેં ના રોજ ફક્ત 3 દર્દીઓ સક્રિય રહ્યા હતા, પરંતુ અનલોક-1માં ફક્ત 26 દિવસમાં આ આંકડામાં 100 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે અને કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.
લોકડાઉનના અંતિમ દિવસે આણંદ જિલ્લામાં કુલ 98 કેસ હતા. જેમાંથી માત્ર 3 દર્દીઓ સારવાર હેઠળ હતા 10 મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2 દર્દીઓ કોરોના સિવાયના કારણોથી મૃત્યુ પામ્યા હતા અને 83 દર્દીઓ સ્વસ્થ બની કોરોનાને માત આપી હતી, ત્યાં સુધી લોકડાઉન અમુક અંશે આણંદ જિલ્લા માટે ફળ્યું હોય તેમ લાગી રહ્યું હતું અને જિલ્લામાં હવે ફક્ત ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. જે સ્વસ્થ થયા બાદ જિલ્લો કોરોના મુક્ત બનશે તેવી નાગરિકોમાં આશા બંધાય હતી.
અનલોક-1માં જે પ્રમાણે સરકારે છુટછાટ આપી અને બજારો એ અર્થતંત્ર ને પુનઃવેગવાન બનાવ્યું, તેમાં કોરોનાએ પણ અર્થતંત્રથી આગળ દોડતો હોય તેમ લાગી રહ્યું છે હજુ બજારમાં ગ્રાહકો ખરીદી માટે ખુલીને બહાર આવી નથી રહ્યાં, ત્યાં કોરોનાનું ગ્રહણ આણંદ જિલ્લામાં ઝડપથી પ્રસરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લામાં અનલોક-1માં દર 5 કલાકે સરેરાશ એક દર્દી કોરોનાની ઝપેટમાં આવે છે. જે આંકડો ચિંતાજનક છે.
સમગ્ર લોકડાઉન દરમિયાન જેટલા કેસ સામે આવ્યા હતા. તેનાથી વધારે કેસ માત્ર 26 દિવસમાં સામે આવ્યા છે. અનલોક-1ની શરૂઆતના 26 દિવસમાં આણંદ જિલ્લામાં નવા 105 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. રોજ આણંદ જિલ્લાના નવા વિસ્તારમાંથી કોરોના સંક્રમણ બહાર આવી રહ્યું છે, ત્યારે જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને બાળકોના સ્વસ્થ સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.
આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ક્યાંક કોરોના માટે જિલ્લામાં જાગૃતિ લાવવામા નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે. હાલ જ્યારે જિલ્લામાં નવા નવા વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ ફક્ત કામગીરીના ડોળ કરતા નજરે પડે છે, જ્યારે પરિણામ ચિંતાજનક છે.
લોકડાઉનમાં કોરોના મુક્ત બનવા તરફ આગળ વધતો આણંદ જિલ્લો અનલોક-1 માં કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યો છે, ત્યારે નાગરિકો એ પણ સ્વયં શિસ્તનું પાલન કરવું આવશ્યક બની રહે છે..