આણંદઃ કોરોના વાઇરસની અસર તમામ ક્ષેત્રે વર્તાઈ રહી છે. દેશમાં મોટા ભાગના ધાર્મિક સ્થળો કોરોનાના પ્રકોપને કારણે બંધ રહ્યા હતા, ત્યારે ઘણા ધાર્મિક સ્થળો અને ત્યાં ઉજવાતા ભારતની ઓળખ સમાં તહેવારો પર પણ આની સીધી અસર જોવા મળી રહી છે.
આજે સોમવતી અમાસ છે, જેનું હિન્દૂ ધાર્મિક માન્યતાઓ મુજબ ખુબજ મહત્વ રહેલું છે. દ્વાપરયુગમાં પાંડવો જ્યારે દેહ ત્યાગ કરવા હિમાલયમાં ગયા હતા, ત્યારે સોમવતી અમાસના આ પવિત્ર સંજોગની પ્રતીક્ષા કરતા તેમણે ઘણો લાંબો સમય હિમાલયમાં વ્યતીત કરવો પડ્યો હતો. તેના ફળ સ્વરૂપ કળિયુગમાં ધર્મની રક્ષા અને ધર્મથી પ્રજાને જોડી રાખવા માટે આ દિવસનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી કિનારે વહેરાખાડી ગામે આવેલા સંગમતીર્થ ખાતે આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી સોમવતી અમાસના પવિત્ર સ્નાન માટે આવતા હોય છે, ત્યારે વર્તમાનમાં કોરોના પ્રકોપની અસર આ ધાર્મિક સ્થળ પર આવતા શ્રદ્ધાળુઓ પર પણ જોવા મળી હતી.
સોમવતી અમાસના દિવસે લાખો ભક્તોની ભીડ આ સ્થળે પવીત્ર સ્નાન કરવા ઉમટી પડતી હતી. જ્યારે આ વર્ષે કોરોનાની ઇફેક્ટ જોવા મળી હતી. આ વર્ષે નદી કિનારે પણ ભક્તોની ભીડ જોવા મળી ન હતી. તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા શ્રધ્ધાળુઓના ટોળા ન થાય તેના માટે તમામ પગલાં ભરવામાં આવ્યાં છે.