એશિયાની નંબર-1 અમૂલ ડેરીમાં રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમારની જોડીની સત્તા યથાવત રહી છે. છેલ્લા ત્રણ ટર્મથી ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમાર જોવા મળી રહ્યા છે, ત્યારે આ વખતે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા રામસિંહ પરમારને કારણે કંઈક નવા-જૂની થાય તેવા એંધાણ હતા, પરંતુ અમૂલ ડેરીના તમામ ડિરેક્ટરોએ કોઈપણ જાતની રાજકીય હિલચાલ કર્યા વગર ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બંને ઉમેદવારોને પુનઃરિપીટ કરી સત્તાનું સુકાન સોંપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સહકારના ભાવે ચાલતી અમૂલ ડેરીના શાસનમાં રાજકીય વગ ધરાવતા નેતાઓએ કોંગ્રેસ-ભાજપને વચ્ચે નહીં લાવી અહીં સહકારને જાળવી રાખી છે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર પાસે વધુ ડિરેક્ટર હોવા છતાં તેઓએ આ બાબતે કોઈ હિલચાલ કરવા માટે તૈયારી દાખવી ન હતી અને આખરે સર્વ સંમતિ મુજબ બંને ડિરેક્ટરોએ પોતાનું પદ સંભાળી લીધું છે.