પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મીહોના તાલુકાના મછંડ તલા મહોલ્લા ખાતે રહેતો દયવીર સિહ ટીલ્લુભાઈ કુશવાહા (ઉ. વ. ૩૪) છેલ્લાં ૧૮ વર્ષથી સંદેશર ગામે આવેલા સરપંચ નીતીનભાઈ ઘર પાસે આવેલી ઓરડીમાં પત્ની સુનિતા પુત્રી પૂજા, પુત્ર અંકીત અને પુત્રી નિશા સાથે રહે છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેનો નાનો ભાઈ માધવ સિહ ઉર્ફે સુનીલ પણ તેમની સાથે રહે છે અને બન્ને ભાઈઓ પાણીપુરીનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. માધવ સિહ સંદેશર ચોકડી પાસે આવેલા ભાથીજી મંદિર નજીક પાણીપુરીની લારી ઊભી રાખીને ધંધો કરતો હતો, જ્યારે દયવીર સિહ અગાસ સ્ટેશન બોરીયા ખાતે જઈને પાણીપુરીનો ધંધો કરતો હતો.
દયવીર સિહ પાણીપુરીની સાથે સાથે બોરીયાના રાજુભાઈ સાથે વ્યાજે પૈસા ધીરવાનો પણ ધંધો કરતો હતો. શનિવારે બપોરના સુમારે નીત્યક્રમ મુજબ દયવીર સિહ પાણીપુરીની લારી લઈને અગાસ સ્ટેશન અને બોરીયા તરફ ધંધાર્થે જતો રહ્યો હતો. પણ રાત્રીના 11 વાગ્યા સુધી તે પરત ફર્યો નહોતો. દરમિયાન મકાન માલિક સોનલબેન ઓરડીમાં આવ્યા હતા અને જણાવ્યું હતુ કે, દયવીર સિહ ક્યાં છે, તેની લારી સંદેશર-અગાસ રોડ ઉપર રોડની સાઈડમાં પડી છે. જેથી માધવ સિહ તપાસમાં નીકળ્યો હતો અને અગાસ જઈને પણ તપાસ કરી પરંતુ દયવીર સિહ મળી આવ્યો નહોતો. દરમિયાન લારી જ્યાં પડી હતી ત્યાં આવીને તેના મોબાઈલ ફોન પર સંપર્ક કરતાં રીંગ વાગી હતી. રાત્રીના અંધકારમાં રીંગની દિશામાં તપાસ કરતા થોડે દૂર આવેલા ખેતરના શેઢા પરથી લોહીથી લથપથ દયવીર સિહનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પેન્ટના ખિસ્સામાંથી તેનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા વિદ્યાનગર પોલીસે સ્થળ પર તપાસ કરતાં લોહીવાળો સેન્ટીંગમા મારવાનો એક જાડો સળિયો મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને માધવ સિહની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખસો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.