- આણંદના પ્રવેશ માર્ગો પર પોલીસનું ચેકિંગ
- માસ્ક વગરના લોકો સામે દંડનીય કાર્યવાહી
- રાજ્ય સરકાર દ્વારા રાત્રે 8 થી સવારના 6 સુધી રાત્રી કરફયૂની કરી છે જાહેરાત
આણંદઃ શહેરના વિવિધ વિસ્તારો સહિત નેશનલ હાઈવે 48થી શહેરમાં પ્રવેશતા માર્ગો પર આણંદ પોલીસે આજે બુધવારે માસ્ક ન પહેરતા લોકો પર કાર્યવાહી હાથ ધરી હતી. માસ્ક ન પહેરનારાને દંડ કરી પોલીસના કર્મચારીઓ દ્વારા માસ્કનું પણ વિતરણ કરવાં આવ્યું હતું. જેથી માસ્ક માટે લોકોમાં જાગૃતતા આવે અને દંડની કાર્યવાહીથી પ્રજાને થોડાક અંશે રાહત થાય.
પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી
આણંદ પોલીસ દ્વારા ફરજની સાથે માનવતાની કામગીરી જોઈ પ્રજાએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આણંદમાં પ્રવેશતા રસ્તાઓ પર કરવામાં આવેલી કામગીરી જો શહેરમાં નિયમિત કરવામાં આવે અને અતિ ભીડભાળ વાળી જગ્યાઓ જેવી કે ટૂંકી ગલી, ગોદી, સુપરમાર્કેટ વિદ્યાનગર રોડ વગેરે સ્થળો પર પણ કરવામાં આવે તો શહેરમાં ફેલાતા કોરોના પર નિયંત્રણ લાવવામાં તંત્રને નોંધનીય મદદ મળી રહે તેવું જાગૃત નાગરિકોનું માનવુ છે.
આ પણ વાંચોઃ માસ્ક નહીં પહેરનારા લોકોને જૂનાગઢ પોલીસે ગાંધીગીરી સાથે દંડ ફટકાર્યો
રાત્રી કરફ્યૂની અમલવારી કરવા માટે પોલીસ દ્વારા લોકોને અપિલ
આણંદ શહેરમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા રાત્રી કરફ્યૂની અમલવારી કરવા માટે પોલીસ દ્વારા લોકોને અપિલ કરવામાં આવી હતી. આણંદ વિદ્યાનગર અને કરમસદ સાથે જોડાયેલા શહેર છે, જેથી આણંદમાં લાગુ થયેલા કરફ્યૂની કડક અમલવારી વચ્ચે બાજુમાં આવેલા બે શહેરોના નાગરિકોના સહકારની પોલીસે અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ
ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અમલવારી કરાવવામાં આવશે
આ અંગે DySp બી.ડી.જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, પરિસ્થિતિને જોતા અને સરકાર અને તંત્રની સુચનાઓને જોતા આણંદ અને વિદ્યાનગર પોલીસ દ્વારા નિયમોનું અને જાહેરનામાનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અમલવારી કરાવવામાં આવશે સાથે પ્રજાએ પણ જાગૃત બની કોરોના સંક્રમણને નિયંત્રણ માટે જે કોઈ સૂચના આપવામાં આવી છે તેનું પાલન કરે અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરે.