આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સામરખા એક્સપ્રેસ-વે નજીક વોચ ગોઠવીને એક ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ટેમ્પામાં 50 હજારથી વધુનો વિદેશી દારૂ ભરીને આવતા 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આણંદ રૂરલ પોલીસ મથકે આ ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે સામરખા એક્સપ્રેસ-વે તેમ જ આણંદ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. તે દરમ્યાન એક ટેમ્પો આવી ચઢતા પોલીસે તેને શંકાને આધારે અટકાવી હતી. ત્યારબાદ તેની તલાશી લેતા ટેમ્પાના પાછળના ભાગે બનાવેલું ગુપ્ત ખાનું મળ્યું હતું, જેમાં વિદેશી દારૂની 359 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 50,300 જેટલી થાય છે. પોલીસે પકડાયેલા શખસનું નામ પુછતાં તે ફિરોઝ ઉર્ફે મુન્નો ટપોરી ઈસ્માઈલભાઈ વ્હોરા (રે. આણંદ, કોહિનૂર સોસાયટી)નો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો, રોકડ રકમ સાથે કુલ રૂ. 1,42,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફિરોઝ ઉર્ફે મુન્નાની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ફિરોઝ ઉર્ફે ડેની યુસુફખાન પઠાણે મગાવ્યો હતો અને દાહોદ જિલ્લાના મોટી ખરજ ખાતે રહેતા સુરેશ નામના શખસ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ઘટનામાં એકની અટકાયત કરી કુલ ત્રણ શખસ સામે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.