- તૌકતે વાવાઝોડાને પગલે આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એલર્ટ
- આણંદ જિલ્લામાં 8 તાલુકાઓમાં લાઇઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી
- ખંભાત તાલુકાના 12 અને બોરસદ તાલુકાના 3 ગામોમાં વિવિધ અધિકારીઓની નિમણૂક કરાઈ
આણંદ : ખંભાતના દરિયાઈ ખાડી પટ્ટી ઉપર તૌકતે વાવાઝોડાના પગલે ખંભાત તાલુકાના દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે. વાવાઝોડાને ધ્યાને લઇ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ખંભાત તાલુકાના 15 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એલર્ટ થઈ આઠ તાલુકાઓમાં વિવિધ લાઇઝન અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. તેમજ ખંભાત તાલુકાના 12 અને બોરસદ તાલુકાના 3 ગામોમાં વિવિધ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કચ્છમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે 3 દિવસમાં 496 માછીમારી બોટ પરત ફરી
35 વિવિધ આશ્રયસ્થાનો ઉભા કરાયા
આ અંગે ખંભાતના ડિઝાસ્ટર અધિકારી પ્રદીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ ખંભાત તાલુકાના તરકપુર, રાલજ, રાજપુર કલમસર, વડગામ, નવીઆખોલ, નવાગામબારા, વૈણજ, મિતલી, ધુવારણ સહિત 15 ગામો સાવચેત કર્યા છે. તેમજ 35 વિવિધ આશ્રયસ્થાનો ઉભા કરી દેવામાં આવ્યા છે.
દરિયાકાંઠે રહેતા લોકોને અત્યારથી જ અન્ય સલામત સ્થળે ખસી જવા માટે સૂચનો અપાયા
આ અંગે ડિઝાસ્ટર અધિકારી પ્રદીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ ખંભાત તાલુકામાં 35 આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલો તેમજ કોમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે. ખંભાત સીટી વિસ્તારમાં લાલ દરવાજા કોમ્યુનિટી હોલ, ફતેહ દરવાજા કોમ્યુનિટી હોલ માછીપુરા કોમ્યુનિટી હોલ તેમજ ગ્રામ્ય કક્ષાએ વિવિધ 32 જેટલા સ્થળો માટે વ્યવસ્થા કરાઈ છે. તેમજ દરિયા કિનારાના ગામોમાં દરિયાકાંઠે રહેતા લોકોને અત્યારથી જ નીચાણવાળો વિસ્તાર છોડી દઈને અન્ય સલામત સ્થળે ખસી જવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના દરિયામાં તૌકતે વાવાઝોડાના કારણે કરંટ જોવા મળ્યો
કલમસર કોવિડ સેન્ટરના દર્દીઓને તાત્કાલિક બાકરોલ સમરસ હોસ્ટેલ ખાતે ખસેડાયા
ખંભાત તાલુકાના વિવિધ તલાટીઓની ટીમો કાંઠાગાળાના વિસ્તારોમાં બનાવી માછીમારોને તેમજ અગરિયાઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ ટીડીઓ અને શહેરી કક્ષાએ ચીફ ઓફિસરને વિવિધ હોર્ડિંગ્સ અને બેનરો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. તેમજ કલમસર કોવિડ સેન્ટરના દર્દીઓને તાત્કાલિક બાકરોલ સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડા વખતે કામમાં આવતી સાધનસામગ્રી જેમાં ટ્યુબ દોરડા, ટોર્ચ બોટ વગેરેની પણ વ્યવસ્થા કરવા માટે પણ જે તે ગ્રામપંચાયતને કામગીરી સોંપવામાં આવી છે.
આશ્રયસ્થાનો પર આશ્રય લેનારા લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ ડિઝાસ્ટર કચેરીએ કરી
સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇ ટીડીઓ, તલાટીઓ, સરપંચો તથા અન્ય સરકારી કચેરીઓના અધિકારીઓની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. તેમજ આણંદ જિલ્લાના 8 તાલુકાઓમાં વિવિધ લાઇઝન ઓફિસરોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે અલગ- અલગ કામગીરીઓ પણ સોંપી દેવામાં આવી છે. તેમજ વિવિધ આશ્રયસ્થાનો પર આશ્રય લેનારા લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ ડિઝાસ્ટર કચેરી દ્વારા ગોઠવણ કરવામાં આવી છે.