આણંદ : સત્તાવાર પ્રાપ્ત વિગતોમાં જાણવા મળે છે કે આણંદ જિલ્લાના ખંભાતમાં ACB ની સફળ ટ્રેપમાં ખંભાત નગરપાલિકાનો ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. આ ઓફિસર નિવૃત્ત થવાના આરે છે ત્યારે ફાયર સેફટી બાબતે એનઓસી અંગેની લાંચ લેતા ઝડપાઇ ગયાં હતાં. તેઓએ 40,000ની લાંચ માગતા એસીબીમાં ફરિયાદ થઇ હતી. જેના પગલે યોજાયેલી ટ્રેપમાં આબાદ ઝડપાઇ ગચાં હતાં. ફાયર ઓફિસર નાઝીમ 35 વર્ષથી ખંભાત નપાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હતાં.
30 ઓગસ્ટે નિવૃત્ત થઇ રહ્યાં છે ફાયર ઓફિસર : લાંચરુશ્વતના અનેક કિસ્સો વિવિધ સરકારી કચેરીઓમાંથી સામે આવતા હોય છે. કોઈપણ પ્રકારના નાના, મોટા કામો માટે અધિકારીઓ દ્વારા મંગાતી લાંચ અને તે સ્વીકારતા કર્મચારી-અધિકારી ઝડપાતા હોવાના બનાવો પણ સમયાંતરે બહાર આવતાં રહે છે. ત્યારે એવો એક કિસ્સો લોકોની અગ્નિથી રક્ષાની જવાબદારી સંભાળતા ફાયર બ્રિગેડ વિભાગ ઓફિસર નાઝીમ આગાનો નોંધાયો છે.
રંગેહાથ ઝડપાયા નાઝીમ ઝાફર આગા : તોડબાજીનો આ કિસ્સો આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં નોંધાયો છે. જેમાં નિવૃત્તિના આરે પહોંચેલા ફાયર ઓફિસર 40,000ની લાંચ લેતા આણંદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા.સત્તાવાર પ્રાપ્ત વિગતોમાં ખંભાત પાલિકા અંતર્ગત ફાયર બ્રિગેડ કચેરીમાં ઘણા વર્ષોથી ફાયર ઓફિસર તરીકે નાઝીમ ઝાફર આગા ફરજ બજાવે છે. એસીબીને ફરિયાદ કરનારના મિત્ર ફાયર સેફટીના સાધનો વેચવાનું તેમજ મકાન-એપાર્ટમેન્ટમાં તે લગાવી આપવાનું કામ કરે છે.
45,000ની લાંચની માંગણી કરી હતી : જેઓએ ખંભાતમાં આવેલા તૈયબીયાહ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીના સાધનો લગાવી આપવાની કામગીરી પૂરી કરીને સરકારી નિયમોનુસાર ફાયર સેફટી એનઓસી મેળવવા ખંભાત પાલિકાની ફાયર કચેરીમાં અરજી કરી હતી. જો કે ફાયર સેફટીનું એનઓસી આપવા માટે ફાયર ઓફિસર નાઝીમ ઝાફર આગાએ ફરિયાદી પાસે 45,000ની લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે 40,000 આપવાનું નકકી થયું હતું.
લાંચનું છટકું ગોઠવાયું : ઉલ્લેખનીય છેકે ફરિયાદી અને તેમના મિત્ર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી કે.બી.ચૂડાસમા (મદદનીશ નિયામક, એસીબી,અમદાવાદ)ના સુપરવિઝન હેઠળ આણંદ એસીબી પી.આઇ. પી.કે.ચાવડા અને ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરાયું હતું. જેમાં ફરિયાદી પાસેથી ખંભાત પાલિકાની ફાયર બ્રિગેડ કચેરીમાં ફાયર ઓફિસર નાઝીમ આગા 40,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતાં. જેથી એસીબી ટીમે આરોપી નાઝીમ આગા પાસેથી 40 હજાર લાંચની રકમ રીકવર કરીને તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.