આણંદ: મનુષ્યની તમામ શારીરિક તથા માનસિક બીમારીઓનો મૂળમાંથી ઈલાજ કરતી પરંપરાગત ઔષધિય સારવાર એટલે આયુર્વેદ. ભારત દેશમાં પ્રાચીનકાળથી રોગોની સારવારમાં આયુર્વેદને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ઋષીમુનિઓ દ્વારા સંશોધિત કુદરતી ઔષધો થકી શરીરને તંદુરસ્ત રાખવાના અનેક ઉપચારોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.
એવી જ રીતે આણંદ જિલ્લાના ઈસણાવ ગામના યુવાન ખેડૂત વિમલ પટેલ દ્વારા પારંપરિક ખેતીથી કંઇક અલગ કરવાના પ્રયાસરૂપે જળબ્રાહ્મીની ખેતી કરવામાં આવી રહી છે.
![આણંદના ખેડૂતની નવી પહેલ, આયુર્વેદિક ઔષધિ જળબ્રાહ્મીની ખેતી વડે મેળવી આવક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-bharami-farming-by-anand-farmer-special-7205242_13102020154906_1310f_01825_481.jpg)
રૂઢિગત ખેતી કરતા વધુ ફાયદો:
ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં આ ખેડૂતે જણાવ્યું હતું કે, તેમના દ્વારા એક એકર જમીનમાં છેલ્લા 3 વર્ષથી આયુર્વેદિક ઔષધિ જળબ્રાહ્મીની ખેતી કરવામાં આવી રહી છે, જેનાથી તેમને સારો એવો આર્થિક ફાયદો મળ્યો છે. સામાન્ય રીતે આણંદના ખેડૂતો ડાંગર, ઘઉં અને કેળા જેવા પાકોની રૂઢિગત ખેતી કરતા હોય છે. જેની સરખામણીમાં વિમલભાઈને ઔષધિય પાક બ્રાહ્મીની ખેતીમાં ઓછા ખર્ચે સારી ઉપજ મળે છે અને પારંપરિક ખેતી કરતા ખૂબ જ સારો આર્થિક ફાયદો થાય છે.
![આણંદના ખેડૂતની નવી પહેલ, આયુર્વેદિક ઔષધિ જળબ્રાહ્મીની ખેતી વડે મેળવી આવક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-bharami-farming-by-anand-farmer-special-7205242_13102020154906_1310f_01825_862.jpg)
વિમલભાઈએ જણાવ્યું કે, આ ખેતીમાં તેઓ પ્રાકૃતિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે. જેથી તેમની બ્રાહ્મી સંપૂર્ણ કેમિકલમુક્ત ઉપજ છે, તેમજ તેના પ્રાકૃતિક ગુણધર્મો પણ જળવાઈ રહે છે. તેમના દ્વારા ઉત્પાદિત બ્રાહ્મીની બજારમાં પણ ઘણી માગ છે.
![આણંદના ખેડૂતની નવી પહેલ, આયુર્વેદિક ઔષધિ જળબ્રાહ્મીની ખેતી વડે મેળવી આવક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-bharami-farming-by-anand-farmer-special-7205242_13102020154858_1310f_01825_229.jpg)
ખેડૂતો બન્યા આત્મનિર્ભર:
વિમલ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટી અને ICAR બોરીયાવીના સતત સંપર્કમાં રહી વિસ્તારના પરંપરાગત પાકથી અલગ પ્રકારની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે આ અંગે માહિતી આપતા આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. મુકેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે, વિમલભાઈ આજે આણંદ જિલ્લાના આદર્શ ખેડૂત બની ઉભરી આવ્યા છે. તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ કંઇક નવું કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ પ્રકારની ઔષધિય પાકની ખેતીમાં ખેડૂતને આર્થિક ફાયદો પહોંચાડી ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.
ICAR કેન્દ્રમાં મેળવી તાલીમ:
આણંદ જિલ્લાના બોરીયાવી ગામમાં આવેલા કૃષિ સંશોધન કેન્દ્રમાંથી વિમલભાઇએ જળબ્રાહ્મીની ખેતી માટેની તાલીમ મેળવી છે. ICARના વરિષ્ઠ વૈજ્ઞાનિક પરમેશ્વરલાલા સારણે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેતી અને તેમાં પણ ખેડૂતોને આયુર્વેદિક ઔષધિઓ અને સુગંધીત પાકની ખેતીની વિસ્તૃત જાણકારી અને તાલીમ ICARમાં આપવામાં આવે છે. વિમલભાઈ આવનારા સમયમાં તેમની આ આયુર્વેદિક ઉપજમાં મૂલ્યવૃદ્ધિ કરી સારી ઉપજ સાથે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે.
આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ...