આણંદઃ નગરપાલિકાના સહયોગથી આણંદ રોટરી ક્લબ દ્વારા છેલ્લા 26 વર્ષથી આણંદ, કરમસદ અને વિદ્યાનગરની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલા ટેલેન્ટને રજૂ કરવા માટેનો એક ઉત્તમ મંચ પૂરો પાડે છે.
રોટરી ક્લબ આણંદ દ્વારા વર્ષ 1994માં ચાલુ કરવામાં આવેલા વલ્કેનો કોમ્પિટિશનને આજે 26 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતા આજે પણ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે કોલેજના વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહિત હોય છે. આ ઈવેન્ટને આણંદમાં આવેલી વિશ્વ વિખ્યાત અમુલ ડેરી સ્પોન્સર કરે છે. જેથી આ ઈવેન્ટને 'અમુલ વલ્કેનો' કહેવામાં આવે છે
'અમુલ વલ્કેનો 2020'નો બુધવારથી પ્રારંભ થયો છે. જેમાં આણંદ કરમસદ અને વિદ્યાનગરમાંથી અંદાજીત 35 જેટલી સંસ્થાના 900 કેટલા વિદ્યાર્થીઓ પાંચ દિવસ ચાલનાર આ સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં વિવિધ સંસ્થામાંથી 5,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોય છે. આ વર્ષે ડાન્સ, ડ્રામા, સિગિંગ, પોસ્ટર મેકિંગ, એડ મેકિંગ, રંગોળી, ડ્રોઈંગ, ક્વીઝ, જેવી 25 કરતા વધારે રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.ડી. ડૉ. આર. એસ. સોઢી, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર કુલકર્ણી, રોટરી 3060ના ડિરેક્ટર જનરલ અતીત શાહ, આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય પટેલ, મેમ્બર સ્વેતલ પટેલ સહિત અનેક રોટેરિયન સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે GCMMFના MD ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, અમુલ વલ્કેનો 2020 કોમ્પિટિશન આણંદના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વ ધરાવતી આ સ્પર્ધા છે, જે આણંદમાં છેલ્લા 26 વર્ષથી યોજાય છે. જેને અમુલ શરૂઆતથી સ્પોન્સર કરતું આવ્યું છે. આગળ પણ કરતું રહેશે. તેમને રોટરી ક્લબ દ્વારા આયોજિત આ સ્પર્ધાના વખાણ કરતા જણાવ્યું હતું કે, રોટરી ક્લબ માં શહેરના ઉત્તમ લોકો દ્વારા સુઆયોજીત રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. જે તેમને તેમનામાં રહેલી ખૂબીઓને ઓળખવાનું એક ઉત્તમ મંચ આણંદ વલ્કેનો પુરૂ પાડે છે.