- તૌકતે વાવાઝોડાની ખંભાત તાલુકાના ગામોમાં અસર વર્તાઈ
ખંભાતમાં ઠંડા પવનો ફુકાયા વાતાવરણમાં પલટો વરસાદી માહોલ સર્જાયો - દરિયા કિનારાના 350થી વધુ લોકોને સ્થળાંતર કરાયા
- NDRFની ટીમ ખંભાતના રાલેજ તેમ જ ધુવારણ ખાતે આવી પહોંચશે
આણંદઃ તૌકતે વાવાઝોડાના કારણે ખંભાત તાલુકાના 15 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સ્થળ ઉપર વિવિધ અધિકારીઓ પોતાની ટીમો સાથે પહોંચી ગયા હતા. તેમ જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એલર્ટ થઈ 8 તાલુકાઓમાં વિવિધ નિમણૂક કરેલા લાઈઝન અધિકારીઓ પોતાના તાલુકાઓમાં પેટ્રોલિંગ અર્થે નીકળ્યા હતા . તેમજ ખંભાત તાલુકાના 12 અને બોરસદ તાલુકાના 3 ગામોમાં વિવિધ અધિકારીઓ દરિયા કિનારાના વિસ્તારોમાં તેમ જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી, જેમાં ખંભાત તાલુકામાં તળાતલાવ, રાધારી, મીતલી, તરકપુરના 350 જેટલા લોકોને વિવિધ આશ્રયસ્થાનોમાં સ્થાન આપવામાં આવ્યું હતું
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને અબડાસા તાલુકો એલર્ટ
સ્થળાંતરિત લોકો માટે 35 આશ્રયસ્થાન ઉભા કરાયા
આ અંગે ખંભાતના ડિઝાસ્ટર અધિકારી પ્રદીપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખંભાત તાલુકાના તરકપુર, રાલજ ,રાજપુર કલમસર, વડગામ, નવીઆખોલ, નવાગામબારા, વૈણજ, મિતલી, ધુવારણ સહિત 15 ગામને સાવચેત કર્યા છે. તેમ જ 35 વિવિધ આશ્રયસ્થાન ઉભા કરી દેવામાં આવ્યા છે, જેમાંથી તડાતલાવ રાધારી મીતલી અને તરકપૂરના 350થી વધુ લોકોને વિવિધ આશ્રયસ્થાનોમાં સ્થાન આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. સોમવારે સવારે NDRFની ટીમ ખંભાતના ધુવારણ તેમ જ રાલજ ખાતે આવવા રવાના થશે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લાના 125 ગામોને કરાયા એલર્ટ
આશ્રયસ્થાનોમાં પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ અને કમ્યુનિટી હોલનો સમાવેશ
ડિઝાસ્ટર અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તાલુકામાં 35 આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો તેમ જ કમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે. ખંભાત સિટી વિસ્તારમાં લાલ દરવાજા કોમ્યુનિટી હોલ, ફતેહ દરવાજા, કોમ્યુનિટી હોલ, માછીપુરા કોમ્યુનિટી હોલ તેમ જ ગ્રામ્ય કક્ષાએ વિવિધ 32 જેટલા સ્થળો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ દરિયા કિનારાના ગામોમાં દરિયા કાંઠે રહેતા લોકોને અત્યારથી જ નીચાણવાળો વિસ્તાર છોડી દઈને અન્ય સલામત સ્થળે ખસી જવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને લોકોને સમજાવીને ખસેડવામાં પણ આવી રહ્યા છે.
અગરિયાઓને દરિયો ન ખેડવા સૂચના
ખંભાત તાલુકામાં વિવિધ તલાટીઓની ટીમ કાંઠાગાળાના વિસ્તારોમાં માછીમારોને તેમ જ અગરિયાઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ TDO અને શહેરી કક્ષાએ ચીફ ઓફિસર દ્વારા વિવિધ હોર્ડિંગ્સ અને બેનરો તાત્કાલિક ધોરણે ઉતારાઈ લીધા છે. તેમ જ કલમસર કોવિડ સેન્ટરના દર્દીઓને તાત્કાલિક બાકરોલ સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડા વખતે કામમાં આવતી સાધનસામગ્રી જેમાં ટ્યૂબ દોરડા ટોર્ચ બોટ વગેરેની પણ વ્યવસ્થા માટે પણ જે તે ગ્રામ પંચાયતે તૈયારી કરી દીધી છે.
8 તાલુકામાં વિવિધ લાઈઝન અધિકારીઓ રાકાયા હતા
સંભવિત વાવાઝોડાને ધ્યાને રાખી TDO, તલાટીઓ, સરપંચો તથા અન્ય સરકારી કચેરીઓના અધિકારીઓની વિવિધ ટીમ પોતાને સોંપેલ સ્થળ ઉપર સ્ટેન્ડબાય થઈ હતી. તેમ જ આણંદ જિલ્લાના 8 તાલુકાઓમાં વિવિધ લાઈઝન ઓફિસરોની પણ સાવચેતીના પગલારૂપે અલગ-અલગ કામગીરીઓ અર્થે રોકાયા હતા. તેમ જ વિવિધ આશ્રયસ્થાનો પર આશ્રય લેનાર લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ ડિઝાસ્ટર કચેરી દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી.