- કોરોના વાઇરસનો કહેર યથાવત
- એપ્રિલ મહિનામાં 104 બાળકો કોરોના સંક્રમિત થયા હતા
- મે મહિનાના માત્ર 11 દિવસમાં 113 કેસ નોંધાયાં
આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તંત્રના દાવા મુજબ કેસ ઘટી રહ્યા છે પરંતુ આંકડા જોતા ફરી એક વખત કોરોનાના કેસ 200 ઉપર પહોંચી ગયાં છે. 11મીના રોજ કોરોનાના રેકર્ડ બ્રેક 231 કેસ નોંધાયાં હતાં. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જોકે, કોરોનાના બીજા ચરણમાં બાળકો પર વધુ ઘાતક જોવા મળી છે. પ્રથમ ચરણમાં બાળકોને ખાસ અસર જોવા મળી ન હતી પરંતુ બીજા ચરણમાં કોરોનાએ બાળકોને પણ બાકી રાખ્યાં નથી.

આ પણ વાંચોઃ વડોદરાની SSG હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત
છેલ્લા દોઢ મહિનામાં 217 બાળકો કોરોના સંક્રમિત થયા
છેલ્લા દોઢ મહિના દરમિયાન 3,739 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં 217 બાળકોનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિના દરમિયાન 1,857 કેસમાંથી 104 દર્દી 18 વર્ષથી નીચેની ઉંમરના સામે આવ્યાં હતા. જ્યારે મે મહિનાના 11 દિવસમાં જ 1,882 દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 18 વર્ષથી નીચેની ઉંમરના 113 કેસનો સમાવેશ થાય છે.

આવશ્યક ઇન્જેક્શન અને દવા મેળવવામાં સંઘર્ષ
જે પ્રમાણે કોરોના સંક્રમણ ઘાતક સાબિત થઇ રહ્યુ છે ત્યારે તંત્ર દ્વારા કોઇ નક્કર પ્રયત્ન હાથ ધરવામાં ન આવતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિક પરિસ્થિતિ જોતા દર્દીઓને ઓક્સિજનની સુવિધાવાળા બેડ, સરકારી ક્વોટાના બેડ, આવશ્યક ઇન્જેક્શન અને દવા મેળવવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલમાં 2 જોડિયા બાળકો કોરોના પોઝિટિવ
એપ્રિલ માસમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 5.60 ટકા કોરોનાના કેસ નોંધાયા
જ્યારે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે ત્યારે ETV Bharat દ્વારા તંત્ર તરફથી મળેલા આંકડાઓની છણાવટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક ચોંકાવનારી હકિકત બહાર આવી હતી. જેમાં એપ્રિલ માસમાં નોંધાયેલા કુલ સંક્રમિત દર્દીમાંથી 5.60 ટકા કેસ 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના હતાં. જ્યારે મે માસમાં આવેલા સંક્રમિત દર્દીના આંકડાની સરખામણીએ અંદાજીત 6 ટકા જેટલા દર્દીઓ 18 વર્ષથી નીચેની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લામાં અત્યાર સુધી 3,20,695 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં
આણંદ જિલ્લામાં અત્યાર સુધી 3,20,695 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 6,808 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તંત્ર દ્વારા છેલ્લા બે માસમાં નોંધાયેલા આંકમાં 3,739 દર્દી કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 217 દર્દી 18 વર્ષથી નાની વયના છે. જિલ્લામાં 31 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે આજની સ્થિતિએ 1,256 દર્દી સારવાર હેઠળ છે. 5,521 દર્દી સ્વસ્થ થયા છે.