અમદાવાદઃ મોંઘવારીને ઘટાડવાની માંગણીની અનોખી રીત લઈને આવ્યા છે આમ આદમી પાર્ટી નેતા રેશ્માબેન પટેલ. રેશ્માબેને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાજપના ધારાસભ્યોને રાખડી મોકલી બદલામાં મોંઘવારી ઘટાડવાની માંગણી કરશે.
મહિલાઓના ખોરવાઈ રહ્યા છે બજેટઃ ટામેટા જેવા શાકભાજી, કઠોળ-દાળ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ માં જે રીતે વધારો થઈ રહ્યો છે તે અયોગ્ય છે. આ મોંઘવારી ગૃહિણીઓના બજેટને તો વેતરે છે સાથે સાથે ગૃહિણીઓના કાળજાને પણ વેતરી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓના બજેટ ખોરવાયા છે ત્યારે ભાજપ સરકાર આ બાબતમાં ખૂબ જ બેદરકારી દાખવી ચૂપ છે.
રેશ્માબેનને જાહેર કર્યો વીડિયોઃ મોંઘવારી સંદર્ભે ભાજપ સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. સરકાર તરફથી લેવામાં આવતા પગલાથી મોંઘવારીમાંથી કોઈ રાહત થતી હોવાનું જણાતું નથી. વિપક્ષો મોંઘવારી મુદ્દે વારંવાર સત્તાપક્ષને ઘેરતો જોવા મળે છે. આજે મોંઘવારીમાં પીસાતા મધ્યમવર્ગને થોડી રાહત મળે તે માટે વિપક્ષો રજૂઆતોની વિવિધ રીતો અપનાવે છે. તેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રેશ્માબેન પટેલે એક વીડિયો પબ્લિશ કરીને રક્ષાબંધન સંદર્ભે મોંઘવારી ઘટાડવાની માંગણી રજૂ કરવાનો અનોખો ઉપાય જાહેર કર્યો છે.
આ મોંઘવારીની પીડાની વાતો માત્ર છાપા અને ચર્ચાનો વિષય બનવાને બદલે વિધાનસભા ગૃહમાં ગુંજવો જોઈએ. તે માટે હું આમ આદમી પાર્ટી મહિલા મોરચા વતી 156 ભાજપના ધારાસભ્યોને રક્ષાબંધન ઉપર 'રાખડી' સાથે મોંઘવારી બાબતે સરકાર પોતાના બહેરા કાન ખોલે તેવું આવેદન પત્ર પણ મોકલીશ. અમારા પક્ષ AAP અને અન્ય પક્ષ ના ધારાસભ્યોને પત્ર લખી ગુજરાતની બહેનો માટે રક્ષાબંધનની ભેટમાં મોંઘવારી ઘટાડવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા વિનંતિ કરીશુ...રેશ્માબેન પટેલ(નેતા, આમ આદમી પાર્ટી)