અમરેલી : જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને જિલ્લામાં મોટાભાગના ડેમો છલકાયા છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, અતિભારે વરસાદને કારણે જિલ્લાના હાથસણી શેલ દેદુમલ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં એક ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો છે. જેને પગલે ધારી અને સાવરકુંડલાના નીચાણ વાળા 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આટલા ગામોને કરાયા એલર્ટ : સાવરકુંડલા તાલુકાના હાથસણી, નેસડી, કરજાળા, સિમરણ, ધારી તાલુકાના શેલ, ખંભાળીયા, સમઢીયાળા, દિતલા, કમી, કેરાલા સહિતના ગામોના લોકોને નદી પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજુલા તાલુકાના ભાક્ષી ગામે આવેલી દાતરડી સિંચાઈ 1 યોજના 90 ટકા પાણીનો સંગ્રહ થતાં નવી માંડરડી, જુની માંડરડી, ધારેશ્વર, જાપોદર, રાજુલા સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
પ્રથમ વરસાદે મોટા ભાગના ડેમો છલકાતા : જાબાળ સૂરજવડી સિંચાઈ યોજના ડેમમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. સુરજવડી સિંચાઈની ડેમ નીચે આવતા દોલતી ઘાંડલા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વડીયાનો સુરવો ડેમ ઓવરફ્લો થયો છે. તો બીજી તરફ બગસરાના મુજિયાસર ડેમ ઓવરફ્લો થયો છે. ધારી ખોડિયાર ડેમ 90 ટકાની સપાટીએ પહોંચવા આવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે મોટા ભાગના ડેમો છલકાતા લોકોમાં ખુશી વ્યાપી છે.
30 લોકોનું સ્થળાંતર : સાવરકુંડલામાં મુશળધાર વરસાદથી ખડસલી ગામે કાદવાળી અને જામવાળી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. નદીઓ બે કાંઠે આવતા જાબાળ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા. નદીના પાણી ગામમાં ફરી વળતા ગામના સરપંચ દ્વારા 30 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હતું. આ સાથે ગામમાં બે મકાનો પણ ધરાશાયી થયા છે.