અમરેલીથી 45 કિલોમીટર દૂર આવેલાં આ રાંદલના દડવા ગામ માટે એવું કહેવાય છે કે, આ ગામ પર માં રાંદલની અસીમ કૃપા છે. વર્ષો પહેલાં આ ગામમાં દુકાળ પડ્યો હતો. જે દસ વર્ષ સુધી રહ્યો હતો. લોકો ભૂખે-તરસે મરી રહ્યાં હતાં. ધરતી જાણે આગ ઝરતી હતી. લોકોનું જીવવું મુશ્કેલ બન્યું હતું, ત્યારે આ ગામમાં રાંદલમાં પ્રગટ થયાં અને જાણે મૃત શરીરમાં પ્રાણ પૂરાયા હતાં. એકવાર ફરીથી ગામ હરિયાળું થવા લાગ્યું, વરસાદ થયો અને ગામમાં સમૃદ્ધીનો વરસાદ થયો હતો.
આમ, આ ગામના લોકોમાં રાંદલ માં પર અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. આ ગામમાં કોઈને પણ કંઈક મુશ્કેલી આવે તો સૌ પ્રથમ તે રાંદલના માના દર્શાનાર્થે જાય છે. પછી બીજો કોઈ નિર્ણય કરે છે. ગ્રામજનોનું માનવું છે કે, માં તેમના પડખે છે. તેમને કોઈ પણ મુશ્કેલી આવે તો રાંદલ માં તેમનું રક્ષણ કરે છે. આવી અનોખી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ ધરાવતાં પૌરાણિક મહત્વ ધરાવતા આ ગામમાં વર્ષોથી ગરબી થાય છે.
આ ગામમાં આશરે 900 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. જ્યાં વર્ષોથી માં રાંદલની ગરબી રાખવામાં આવે છે. જેમાં નાની બાળાઓ નવદુર્ગાનો વેશ ધારણ કરીને ગરબા રમે છે. આ અનોખા ગરબા જોવા માટે સૌરાષ્ટ્રભરના લોકો આવે છે અને મા ના ગરબાનો લ્હાવો લે છે.