વાયુ વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો સાથે લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ઠેર ઠેર વરસાદને લઈને યજ્ઞ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા વરસાદ માટે દુઆ કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાય સાથે ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી પણ જોડાયા હતા. ઈશ્વર, ખુદા પાસે આખા ગુજરાતને તૃપ્ત કરે તેવો વરસાદ વરસે તો પાણીનો ગંભીર પ્રશ્ન હલ થઈ શકે તેવી દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી.
હાલ જે રીતે અગીયારશે વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક બળી જાય તેવા સમીકરણો સાકાર થયા છે. ત્યારે મુસ્લિમ સમુદાયે ત્વરિત વરસાદ વરસે તેવી દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મગુરુ અને જિલ્લાના મુસ્લિમ સમુદાય સાથે સંઘાણીએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહી ભગવાનને વરસાદની પ્રાર્થના કરી હતી.