- દેદુમલ ડેમ પરનો રસ્તો બંધ થતાં ખેડૂતો અને રાહદારીઓ પરેશાન
- ગ્રામજનોએ મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી
- ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ચૂંટણીના મતદાનનો બહિષ્કાર
અમરેલી: સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલ દેદુમલ ડેમનો રસ્તો બંધ કરવામાં આવતા ખેડૂતો પોતાની વાડીમાં જઈ શકતા નથી. આ રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામજનોએ મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. અહીં ચોમાસાની સિઝનમાં ભારે પાણીથી 14 ગામના ખેડૂતોને જવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાથસણી ગામના ખેડૂતોએ મુખ્યપ્રધાનને પોતાની વ્યથા વર્ણવી જણાવ્યું હતું કે, અહીં 1996ની સાલમાં ડેમ બનાવવામાં આવ્યો છે. આ ડેમ જયારથી બન્યો છે, ત્યારથી જ બંને સાઇડ પાકા ડામર રોડથી જોડાયેલો છે. ત્યાંથી વાહન વ્યવહાર ચાલે છે અને હેઠવાસમાં નવા નવા બ્રિજ બનાવવા માટે અનેક રાજકીય નેતાઓને 14 ગામના ખેડૂતોએ રજૂઆત કરેલી છે. પણ હાલ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 14 ગામના ખેડૂતોને સાવરકુંડલા અને ખેતર જવા માટેનો રસ્તો સિંચાઇ વિભાગ દ્વારા બંધ કરી દીધો છે.
જેના કારણે ખેડૂતો પોતાની વાડીએ જઈ શકતા નથી. ખેતરમાં આવેલ પાક તૈયાર થઇ ગયો છે, પણ તેને લણવા માટે રસ્તો બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે શેલ દેદુમલ ડેમ પરનો બંધ કરેલ રસ્તો વહેલી તકે ખોલવા માટે ગામના ખેડૂતોએ મુખ્યપ્રધાન પાસે મદદની ગુહાર લગાવી છે. તેમજ આગામી સમયમાં ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ધારી વિધાનસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર પણ કરવાની ચીમકી ગ્રામ લોકોએ ઉચ્ચારી હતી.