અમરેલી જિલ્લા પંચાયતની જિલ્લા વિકાસ અધિકારીની કચેરી બહાર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન સાથે 15 ગામના સરપંચો વિકાસના અટકેલા કામોને થયેલા કામોના બાકી પેઇમેન્ટ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા પંચાયતના DDO પડાલીયા દ્વારા પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરીને હડધૂત કરતા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સરપંચોએ DDOની કચેરીના બહાર જ ધરણા શરૂ કરતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો.
પૂર્વ મંજૂરી લઈને મળવા ગયેલા પદાધિકારીઓને હડધૂત કરીને ગેટઆઉટ કહીને બહાર કાઢીને અપમાન કરનાર DDO સામે કચેરી બહાર જ ધરણા શરૂ કર્યાના એકાદ કલાક બાદ સમજાવટથી DDOએ અંદર બોલાવીને પદાધિકારીઓ અને સરપંચોને સાંભળ્યા હતા. ફરજમાં બેદરકારી દાખવનાર મુખ્ય ઈજનેર આસિફ અગાસીવાળા વિરુદ્ધ કાયદેસર પગલા ભરીને કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ ધરણા પૂર્ણ થયા હતા.