અમરેલી : રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓને કેટલાક પ્રમાણમાં નુકસાન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખેત જણસો પલળી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. કમોસમી વરસાદના કારણે પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે ગુજરાતનું એકમાત્ર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો પાક સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. અમરેલીમાં ધોધમાર કમોસમી વરસાદ વરસવા છતાં એક કિલો પણ ખેડૂતોની જણસ પલળી નથી.
યાર્ડમાં કેમ ખેડૂતોની પાક નથી પલળ્યો : કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં લાખો રૂપિયાની ખેત જણસો પલળી ગઈ છે. ત્યારે આવા સંજોગોમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં કદાચ એકમાત્ર એવુ માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં અત્યાર સુધીમાં ખેડૂતોની એક કિલો પણ જણસ પલળી નથી. અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસો સાચવવા માટેની જે અદ્યતન સુવિધાઓ છે તેના કારણે ખેડૂતો નિશ્ચિત જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Unseasonal Rain : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની સવારીથી વાતાવરણ ઠંડુ, પરંતુ ખેડૂતોને ભીતિ
ખેડૂતો, જણસો, વાહનો સુરક્ષિત : અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ એ ગુજરાતના અતિ આધુનિક માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક માર્કેટિંગ યાર્ડ છે. અહી ખેડૂતોની જણસો માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, આ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડમાં ખેડૂતો પોતાની જણસો, વાહન સાથે સુરક્ષિત રાખી શકે છે.
આ પણ વાંચો : Unseasonal Rains : અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા ઘીયળ નદીમાં ઘોડાપૂર, ટ્રક ફસાયો
અનોખું માર્કેટિંગ યાર્ડ : ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ખેતરમાં સુરક્ષિત ન હોય તે વાત કદાચ માની શકાય, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો પાક સુરક્ષિત ન હોય તે ધરતીપુત્ર માટે ખુબ પીડાદાયક છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલીનું માર્કેટિંગ યાર્ડ અન્ય યાર્ડ કરતા અલગ તરી આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો, રાજકોટ, ગોંડલ, પોરબંદર, ભાવનગર, પાટણ સહિતના માર્કેટિંગ યાર્ડમાં પાક પલળી જતા ખેડૂતો સાથે વેપારીની હાલત કફોડી બની છે.