અમરેલી: કોરોના વાઈરસ વચ્ચે અનેક લોકો મહાનગરોમાંથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્રવેશતા લોકોના આરોગ્યની તપાસ કરી તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની વેબસાઈટ પર નજર કરતા રાજ્યમાં કુલ 4,65,312 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી માત્ર અમરેલી જિલ્લામાં 1,46,764 લોકો હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. આમ રાજ્યમાં કુલ ક્વોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ પૈકી 31 ટકા લોકો તો માત્ર અમરેલી જિલ્લામાં જ છે.
જિલ્લા બહારથી આવેલાં લોકો જો કોરોનાગ્રસ્ત હશે, અને બહાર નીકળશે તો કોરોનાનાં સંક્રમણનું જોખમ વધશે. આ જ કારણોસર વહીવટી તંત્ર દ્વારા લોકોને ક્વોરેન્ટાઈન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અન્ય જિલ્લામાંથી આવેલા લોકો 14 દિવસ પોતાના ઘરમાં જ રહેશે તો ગ્રીનઝોન અમરેલીમાં કોરોનાનો ભય ઓછો રહેશે.
જો કોરોના વોરિયર કમિટી દ્વારા ક્વોરેન્ટાઈન હેઠળ રહેલા લોકો નિયમોના ભંગ કરતા પકડાશે તો તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.