જુનાગઢ: ગિરનાર પર જે પગથિયાં છે તે 116 વર્ષ પુરા કરી રહ્યા છે, ગિરનાર પર્વત જેટલો ઐતિહાસિક છે તેટલા જ ઐતિહાસિક ગિરનાર પર્વત પર ભવનાથ તળેટીથી ગુરુ દત્તાત્રેય શિખર સુધી બનેલા 9999 પગથિયા પણ છે. વર્ષ 1889માં નવાબ બહાદુરખાન ત્રીજા દ્વારા આ પગથિયા બનાવવા માટે ગિરનાર લોટરીની શરૂઆત કરાવી હતી. ઇનામની રકમ બાદ વધેલા દોઢ લાખ રૂપિયામાંથી આ પગથિયાંનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું
ગિરનાર પગથિયાને 115 વર્ષ પૂર્ણ
ગરવાા ગિરનાર પર્વત પર ભવનાથ તળેટીથી લઈને ગુરુદત્તાત્રે શિખર સુધી 9999 જેટલા પગથિયાઓ બનેલા જોવા મળે છે. જે આજે 115 વર્ષ પુરા કરી રહ્યા છે. ગિરનાર જેટલો આધ્યાત્મિક અને ઐતિહાસિક છે, બિલકુલ તે જ રીતે ગિરનાર પર બનેલા પગથિયા પણ આટલા જ ઐતિહાસિક માનવામાં આવે છે. વર્ષ 1889માં નવાબ બહાદુર ખાન ત્રીજા દ્વારા ભવનાથ તળેટીથી લઈને ગુરુદત્તાત્રે શિખર સુધી જવા માટે આ પગથિયા બનાવવાની યોજના અમલમાં મૂકી હતી.
જેનો ખર્ચ પૂરો કરવા માટે જૂનાગઢમાં ગિરનાર લોટરીની શરૂઆત થઈ હતી. જૂનાગઢના ઈતિહાસ સાથે જોડાયેલા પુસ્તકોમાં ગિરનાર પર્વત પર સોલંકી રાજવી કુમારપાળે પ્રથમ સીડી બંધાવી હોવાની વિગતો મળે છે, ત્યારબાદ વિક્રમ સંવંત 1683માં સંઘજીએ કુમારપાળે બંધાવેલ સીડીનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, તેવો જુનાગઢના ઇતિહાસ સાથે સંકળાયેલા પુસ્તકોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
કરવેરાની જગ્યા પર લોટરી
જુનાગઢ ના નવાબ બહાદુરખાન ત્રીજા દ્વારા ગિરનાર પર્વત પર સીડી બનાવવા માટે જુનાગઢ રાજ્યના લોકો પર કરવેરો નાખવાની જગ્યા પર અન્ય વિકલ્પો વિચાર્યા હતા અને તેમાંથી જન્મ થયો જુનાગઢ લોટરીનો, જેને ભારતની પ્રથમ લોટરી તરીકે પણ ઓળખવામાં આવી હતી એક રૂપિયાની લોટરીની ટિકિટ બહાર પાડીને સમગ્ર લોટરીનું સંચાલન ઇનામ સુધી પહોંચે તે માટે 11 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી હતી. લોટરીનું સંચાલન બેચરદાસ વિહારીદાસ અને ડો ત્રિભુવન શાહને સોંપાયું હતું. જૂનાગઢમાંથી જાહેર કરાયેલી લોટરી કરાચી, બાંગ્લાદેશ સહિત ભારતના અન્ય રાજ્યોના ગ્રાહકોએ ટિકિટની ખરીદી કરી હતી, જુનાગઢ રાજ્યે લોટરી બહાર પાડી છે તેની જાહેરાત જુનાગઢ રાજ્યના ગેજેટ દસ્તુરલ અમલ સરકારમાં પણ કરવામાં આવ્યો હતો.
ભરે તેની લોટરી
વર્ષ 1889માં પણ માર્કેટિંગ અમલમાં હશે, તેવું જૂનાગઢની લોટરી સાથે સંકળાયેલા ઇતિહાસમાં જોવા મળે છે. લોટરીના ગ્રાહકો વધે તે માટે જે તે સમયે લોટરીનું માર્કેટિંગ કંઈક આવા શબ્દોમાં કરવામાં આવ્યું હતું. "મારે તેની તલવાર ભણે તેની વિદ્યા અને ભરે તેની લોટરી" માર્કેટિંગનું આ સ્લોગન અખંડ ભારતના અનેક લોકો સુધી પહોંચી ગયું, તમામ લોકોએ લોટરી ખરીદીને જુનાગઢ લોટરીને એક ઐતિહાસિક દિશામાં પહોંચાડી વર્ષ 1892ના મે મહિનાની 15મી તારીખે ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો જુનાગઢના ફરાસખાનામા યોજવામાં આવ્યો, જે ચાર દિવસ સુધી ચાલ્યો હતો.
પ્રથમ વિજેતા મુંબઈના મહિલા
19મી મે 1892ના દિવસે ગિરનાર લોટરીના પ્રથમ વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 10,000ના પ્રથમ વિજેતા તરીકે મુંબઈના સવિતાબેન ખાંડવાળા ગિરનાર લોટરી જીતવામાં સફળ રહ્યા હતા. આ સિવાય પંજાબના એક અને નવસારીના એક ગ્રાહક પણ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમની વિજેતા રકમ જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારબાદ ગિરનાર લોટરીનું છૂટક આયોજન વર્ષ 1905 સુધી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગિરનાર લોટરી બંધ થઈ હોવાનું પણ જાણવા મળે છે.
ઈનામની બાદની રકમમાંથી સીડીનું નિર્માણ
ગીરનાર લોટરીના તમામ વિજેતાઓને ઇનામ વિતરણ કર્યા બાદ વધેલી રકમમાંથી ગિરનાર પર સીડી બનાવવાનું કામ 1889માં શરૂ થયું, જે 1,50,000ના ખર્ચે વર્ષ 1908માં પૂર્ણ જાહેર કરાયું હતું, આજે આ સીડીના પગથીયા કે જે ગિરનાર લોટરીની ખરીદ રકમમાંથી બનાવવામાં આવ્યા હતા, તે કારમિન્ટ પથ્થરોમાંથી એક સદી કરતા વધુ સમયથી અડીખમ જોવા મળે છે.
આ સીડી પરથી અનેક શ્રદ્ધાળુઓ મહાપુરુષો અને આસ્તિકો ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે આજે પણ જાય છે, જેનો પાયો સોલંકી વંશજના રાજવી કુમારપાળના સમયથી લઈને જૂનાગઢના ત્રીજા નવાબ બહાદુર ખાનના સમયમાં નખાયો હોવાનો ઇતિહાસ આજે પણ ઉજાગર જોવા મળે છે.