- અમરીશ ડેર ને અન્ય ધારાસભ્યો નો ટેકો
- રાજુલા છાવણીમાં પહોંચ્યા 4 કોંગી ધારાસભ્યો
- છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહ્યું છે આંદોલન
અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકાના શહેરી વિસ્તારમાં રેલવેની જમીન નગરપાલિકાને સોંપવાને લઇને વિવાદ આગળ વધી રહ્યો છે. સાત દિવસે કોઈ નિરાકણ ન આવતા કોંગ્રેસના ધારસભ્ય અમરીશ ડેરની ઉપવાસ છાવણી રાજુલા તાલુકાથી 10 કિમી દૂર બર્બટાણા રેલવે સ્ટેશન ઉપર શરૂ કરાઇ છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ઉપવાસ છાવણીને સમર્થન આપ્યું હતું.
નિરાકરણ નહિ તો આંદોલન ઉગ્ર બનશે
વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, માંગરોળ વિધાનસભાના બાબુ વાજા, તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગાભાઈ બારડ સહિત કુલ 4 કોંગ્રેસના ધારાસભ્યો રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા અને સમર્થન જાહેર કરતા ઉપવાસ છાવણીમાં ફરી ઉત્સાહ દેખાયો હતો. સાંજ સુધીમાં રેલવે બાબતે કોઈ નિરાકરણ આવી શકે છે અથવા તો નિરાકરણ નહિ આવે તો ધરપડક અથવા ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. રેલવે પોલીસ સાથે સ્થાનિક પોલીસ પણ સજાગ બની રહી છે.