અંધજનમંડળ અને અન્ય બે સંસ્થાઓ વતી વકીલ મુંજાલ ભટ્ટે બુધવારે જસ્ટીસ ભાર્ગવ કારીયા સમક્ષ રજૂઆત કરી હતી કે, છઠ્ઠા અને સાતમાં પગાર પંચના લાગુ થયા બાદ રાજ્યની વિવિધ સંસ્થાઓમાં ભરતી માટેના કુલ 490 પદ કારણ આપ્યા વગર રદ કરી દેવામાં આવ્યા છે. જેને લીધે શારારિક અને અન્ય પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકોની દેખરેખ અને અભ્યાસમાં હાલાકીનો સામનો કરવો પડે છે.
અંધજનમંડળના 1) મેન્ટલ હાઈજીન ક્લિનિક, 2) ધ હોસ્ટેલ ફોર બ્લાઈન્ડ એન્ડ ડિસ-એબ્લડ વુમન અને 3) હોસ્ટેલ ફોર મલ્ટી ડિસ-એબ્લડ ગર્લ પ્રોજેક્ટ હેઠળ ખાલી પડેલી ગૃહમાતા, પટ્ટાવાળા અને અન્ય પદની ભરતી મુદે અનેકવાર રજુઆત કરાયા હોવા છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા અરજદાર પોતાના ખિસ્સાના ભોગે સંસ્થા ચલાવી રહ્યાં છે. સરકારની સહાયની વાત માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ આવે છે. મહત્વનું છે કે, આ બાળકોની દેખરેખ અને અન્ય કામ કરતા આ કર્મચારીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.
અરજદાર વતી ભટ્ટે હાઈકોર્ટમાં દાખલ કરેલી પીટીશનમાં જણાવ્યું હતું કે, અંધજન મંડળમાં ચાલતા ત્રણેય પ્રોજેક્ટને 1992માં સહકારી સહાય હેઠળ લાવવામાં આવ્યા હતા. જે પૈકી આ પ્રોજેક્ટ હેઠળ મંજૂર કરેલી જગ્યા પર કર્મચારીઓને પગાર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. જો કે કેટલાક કર્મચારીઓની નિવૃતિ અને મૃત્યુ બાદ તેમની ખાલી પડેલી જગ્યા ભરવા મુદ્દે અરજદાર સંસ્થાઓ દ્વારા અનેક કર્મચારીઓના નામની ભલામણ કર્યા બાદ પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા સ્થિતિ ખોરંભે ચડી છે. અપૂરતા સ્ટાફને લીધે વિધાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. સરકારની નિરસતા રાઈટસ ઓફ પર્સન વીથ ડિસએબિલીટી એક્ટ 2016નું ઉલ્લઘંન છે.
કઈ રીતે થાય છે ભરતી:
જ્યારે કોઈની નિવૃતિ અથવા મૃત્યુથી જગ્યા ખાલી પડે ત્યારે જે તે સંસ્થા દ્વારા જાહેરાત બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ મળેલી અરજીઓની તપાસ કર્યા બાદ ઉમેદવારને સંસ્થા દ્વારા ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે અને પછી તેના નામની ભલામણ સરકારને કરવામાં આવે છે. સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યારબાદ જે તે પદ પર નિમણુંક આપવામાં આવે છે.
વર્ષ 1992માં આર.કે શર્મા કમિટિની ભલામણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સેવાભાવી સંસ્થાઓને સહાય કરવાનો નિર્ણય કર્યો હતો. આ સંસ્થાઓમાં ચાલતા કેટલાક પ્રોજેક્ટનો ખર્ચ અને કર્મચારીઓનો પગાર સરકાર દ્વારા કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો. વિકલાંગતા ધરાવતા લોકોને મૂખ્યધારા સાથે લાવનાર આ સેવાભાવી સંસ્થાઓ પ્રત્યે સરકારની ઉદાસિનતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી