અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનએ હાલમાં જ શહેરની આસપાસના આવેલા કેટલાંક ગામડાઓને અમદાવાદમાં સામેલ કરવાનો આદેશ બહાર પાડતા કઠવાડા ગામની સામેલ ન થવાની માંગ સાથેની અરજી પર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનવણી 18મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18મી જૂનના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં કઠવાડા ગામને પણ અમદાવાદ શહેરમાં સામેલ કરવાની જાહેરાત કરાઇ હતી. કઠવાડા ગામના સરપંચે આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. કઠવાડા ગામ તરફથી દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ શહેરમાં જોડાવા માંગતા નથી અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો હિસ્સો રહેવા માંગે છે. વર્ષ 2017માં કઠવાડા ગામ લોકોએ તેમના પ્રતિનિધિઓ નિમણૂક કરી અને પંચાયત હજી સુધી પૂરી ન થઈ હોવાથી તેને શહેરમાં સામેલ કરી શકાય નહિ.
અરજદાર ગામના સરપંચ તરફથી દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગામડામાં તમામ પ્રકારની સુવિધા અને વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વડોદરા જિલ્લાના વેમાલી કોરડીયા સહિતના ચાર ગામડાઓએ પણ વડોદરા સીટીમાં સામેલ ન થવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ ગ્રામજનો દ્વારા હાલમાં જ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.