અમદાવાદ: અમદાવાદમાં એક માત્ર રમાયેલી ભારત-પાક મેચમાં પાકિસ્તાન જીત્યું છે. વલ્ડૅકપ-2023ની સૌથી હાઇ-વોલ્ટેજ મેચ 14, ઓક્ટોબરના રોજ રમાવાની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ છે. આ પહેલાં એક માત્ર 50 ઓવરની આંતરરાષ્ટ્રીય મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની અમદાવાદમાં રમાયેલી. વર્ષ - 2005માં ભારતમાં પાકિસ્તાન છ વન-ડે મેચોની શ્રેણી રમવા આવ્યું હતુ ત્યારે સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ ચોથી વન-ડે મેચ એ સમયે મોટેરાના નામે ઓળખાતા હાલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી.
ભારત પાક મેચનો ઇતિહાસ : આ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકરે 130 બોલમાં 123 રનની યાદગાર ઇનિંગ રમી હતી, જેમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. કપ્તાન સૌરવ ગાંગુલીએ મેચની સ્થિતિ જોઇને મહેન્દ્રસિંહ ધોનીને ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. ભારત તરફથી તેંડુલકર ઉપરાંત સૌરવ ગાંગુલીએ 64 બોલમાં 47 અને યુવરાજે 35 રન ફટકારી ટીમનો સ્કોર 315એ પહોંચાડ્યો હતો. પાકિસ્તાને આ મેચ 48મી ઓવરમાં જીતી હતી હતી. જેમાં શોએબ મલિકના 65 અને ઇન્ઝમાન ઉલ હકના 60 રન મહત્વના સાબિત થયા થયા હતાં. પાકિસ્તાને આ મેચ જીતીને છ મેચની શ્રેણીને 2 -2થી સરભર કરી હતી અને અંતે પાકિસ્તાને 4-2થી શ્રેણી જીતી હતી.
સુનિલ ગાવાસ્કરની યાદગાર ઇનિંગ : મોટેરા સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે ભારતીય ઓપનર સુનિલ ગાવાસ્કર ટેસ્ટમાં 10 હજાર રન કરનાર પ્રથમ ખેલાડી બન્યા હતાં 1987ની 7, માર્ચ વિશ્વ ક્રિકેટ અને સુનિલ ગાવાસ્કર માટે ઐતિહાસિક દિવસ હતો. આ દિવસે ભારતીય ઓપનર સુનિલ ગાવાસ્કરે અમદાવાદના એ સમયે મોટેરા સ્ટેડિયમ તરીકે જાણીતા સ્ટેડિયમમાં પાકિસ્તાનના સ્પીનર એજાઝ ફકીની બોલિંગમાં ઓફ સાઇડમાં કટ મારી ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન કરનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા હતાં. એ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના કપ્તાન ઈમરાન ખાન હતા. પોતાની ઇનિંગનો 58મો રન ફટકાર્યો ત્યારે ગાવાસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રનને પાર કરનાર ક્રિકેટર બનવાનો વિક્રમ સ્થાપ્યો હતો. ગાવાસ્કરે એ ઇંનિગમાં 63 રન નોંધાવ્યા હતાં અને મેચ ડ્રો જાહેર થઈ હતી.
ભારતે હંમેશા 50 ઓવરની મેચના વલ્ડૅકપમાં પાકિસ્તાનને હરાવ્યું : ભારતનો પાકિસ્તાન સામે 50 ઓવરની વલ્ડૅકપ મેચોમાં 100 ટકા સફળતાનો દર રહ્યો છે. 50 ઓવરની મેચના વલ્ડૅકપમાં ભારત અત્યાર સુધીમાં કુલ 7 મેચો પાકિસ્તાન સામે રમ્યું છે. ભારતે તમામ સાત મેચમાં પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું છે. 50 ઓવરની વલ્ડૅકપ મેચમાં ભારત સૌ પ્રથમવાર પાકિસ્તાન સામે 1992માં સિડની ખાતે ટકરાયેલું, જેમાં ભારતનો 43 રને વિજય થયો હતો. 1996માં બેંગ્લોર ખાતે રમાયેલી વલ્ડૅકપ સેમી ફાયનલમાં ભારતે પાકિસ્તાન સામે 39 રને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી, જેમાં અજય જાડેજાની વકાર યુનિસને ફટકારેલ સિક્સર અને પ્રસાદે પાક ઓપનર આમિર સોહિલને બોલ્ડ કર્યાની ઘટના આજે પણ લોકો યાદ કરે છે. 1999ના વલ્ડૅકપ મેચમાં ભારતે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે પાકિસ્તાનને 47 રને હાર આપી હતી. 2003માં સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન ખાતે ભારતે પાકિસ્તાનને 6 વિકેટે પરાસ્ત કર્યુ હતુ. 2011ના વલ્ડૅકપમાં મોહાલી ખાતે ભારતે પાકિસ્તાનને 29 રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે 2015માં ભારતનો 76 રને વિજય થયો હતો. 2019ના વલ્ડૅ કપમાં માંચેસ્ટર ખાતેની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને પરાજિત કરી વલ્ડૅકપની મેચોમાં અજય રહ્યું છે.
કોણ બનશે વિજેતા : અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ જંગ રસપ્રદ રહ્યો છે અને શ્રેણીના વિજેતા થવાની મેચ સાબિત થયો છે. વલ્ડૅકપ -2023ની હાઇ વોલ્ટેજ મેચમાં હાલ ભારતનું પલડું ભારે લાગે છે અને વલ્ડૅકપ મેચોમાં પાકિસ્તાનને હરાવી વિજયી થવાની પરંપરા ભારત જાળવશે.