અમદાવાદ: શહેરના વાસણાના જયદીપ ટાવરમાં શેઠાણી અને નોકરાણી વચ્ચેના વિવાદે સ્થાનિક લોકોમાં ચર્ચા સાથે ભારે રમૂજ ફેલાવી હતી. ઘરકામ બાબતે ગુસ્સે ભરાયેલા શેઠાણીએ નોકરાણીને અપશબ્દો બોલી ગડદા પાટુનો માર મારી માથામાં અને કમરના ભાગે ઈજાઓ કરી તેમ છતાં ગુસ્સો શાંત ન થતા શેઠાણીએ ટેબલ પર પડેલું ચપ્પુ નોકરાણીને મારવા ઉગામ્યું હતું. આ વચ્ચે નોકરાણીએ પોતાનો બચાવ કરવા ચપ્પુ હાથમાં પકડી લેતા ડાબા હાથની હથેળીમાં ગંભીર ઈજા થઇ હતી.
શેઠાણીનો ગુસ્સો આસમાને હોવાથી જીવ બચાવવા નોકરાણી ઘરની બહાર દોડી અને સ્થાનિકોએ ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. રવિવારે સવારે 10 કલાકે બનેલી આ ઘટના અંગે વાસણા પોલીસે નોકરાણીની ફરિયાદને પગલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.