અમદાવાદ : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને સાચવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયાં ત્યારે તેમનું કહેવું હતું કે સત્તા પક્ષમાં રહી તો વિસ્તારના કામો થાય છે, ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહેવું પડ્યું હતું કે કામ તો બધી જ જગ્યાએ થાય છે. ટૂંકમાં તે ધારાસભ્ય અંગત કામોની વાત કરતાં હશે. હાલ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો ભાજપ હાલ કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયો છે. મંત્રીમંડળમાં પણ કોંગ્રેસ મૂળના ધારાસભ્યો અન રાજ્યસભામાં પણ કોંગ્રેસી ઉમેદવાર છે. રાજકારણમાં ભારે પરિવર્તન છતાં તે સહજમાં સ્વીકારી લેવાય છે. પ્રજા ભોળી છે, નેતાઓના છટાદાર ભાષણમાં આવી જાય છે, નાની લાલચો આપીને મતદારોને આકર્ષી લે છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં 5 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, જે.વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ કમલમમાં જઈને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે, હવે તેઓ પેટા ચૂંટણીમાં ભાજપના નેજા હેઠળ ટિકીટ મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યાં છે. જો કે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તો સ્પષ્ટતા કરી હતી કે ટિકીટ આપવાનું કામ મોવડીમંડળ કરશે. જે પછી તમામ ધારાસભ્ચોએ સ્વર્ણિમ સંકુલમાં આટાંફેરા ચાલુ કરી દીધાં છે. સીએમ અને ડેપ્યૂટી સીએમને મળીને ટિકીટ મળે તેનું લોબિંગ શરૂ કર્યું છે. પણ સામે ભાજપમાં ભારે અસંતોષ ફેલાયો છે. જેને પગલે સોમાભાઈ પટેલ, મંગળ ગાવિત અને પ્રવીણ મારૂનો ભાજપ પ્રવેશ અટક્યો છે.
કોંગી ધારાસભ્યના રાજીનાામા કોંગ્રેસમાંથી ભાજપમાં આવતાં ધારાસભ્યો હવે ભાજપ માટે આફત બને તો નવાઈ નહી. રૂપાણી સરકારમાં જયેશ રાદડિયા, કુંવરજી બાળવિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જવાહર ચાવડાનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે. રાતોરાત પ્રધાન બની ગયાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં કેટલાય વરિષ્ઠ ભાજપના નેતા લાઈનમાં ઉભાં હતાં, ત્યારે મૂળ કોંગ્રેસનું ગોત્ર ધરાવતા નરહરી અમીનને ટિકીટ આપી, અને તેઓ જીતી પણ ગયાં. તે ઉપરાંત આશા પટેલ, પરષોત્તમ સાબરિયા અને સી. કે. રાઉલજી પણ કોંગ્રેસી છે, તે ભાજપમાં ધારાસભ્ય છે.
ભાજપ માટે મહત્ત્વનો સવાલ એ છે કે પક્ષપલટો કરનાર નેતાને ટિકીટ આપવી કે નહીં, કારણ કે ગ્રાઉન્ડ રીપોર્ટ એવો છે કે પક્ષપલટો કર્યા પછી સ્થાનિક લેવલે પ્રજામાં રોષ છે, તેઓ તે નેતાને ન સ્વીકારે તો? માટે ભાજપના મોવડીમંડળ માટે હાલ પેટાચૂંટણીમાં ટિકીટ કોને આપવી તે માથાનો દુઃખાવો સાબિત થયો છે. પક્ષપલટુઓને ટિકીટ ફાળવીને અને જો બેઠક હારે તો તેની સીધી અસર પાછળ આવી રહેલી પાલિકા અને પંચાયતની ચૂંટણી પર પડશે. અલ્પેશ ઠાકોરના કેસમાં પણ આમ જ થયું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયાં અને રાધનપુર પેટાચૂંટણીમાં ટિકીટ આપી. ઠાકોર સેનાનું મજબૂત પીઠબળ છતાં અલ્પેશ ઠાકોર હાર્યા. એટલે અલ્પેશ ઠાકોરવાળી ન થાય તે માટે ભાજપ હાલ તો સજાગ છે.
તાજેતરમાં કમલમમાં ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ ગઈ, તેમાં ભાજપમાં રહેલો અસંતોષ ઠારવાનો પ્રયાસ કરાયો છે. કોને ટિકીટ આપવી, કયા મુદ્દાને લઈને મતદારો સમક્ષ જવું એ બધાં રાજકીય પાસાંઓ પર વિચાર કરવા માટે અને અસંતુષ્ઠોને ઠારવા માટે પ્રભારી મંત્રીઓને જવાબદારી સોંપી છે. ટૂંકમાં હવે ભાજપે નીમેલી પ્રભારી મંત્રીઓની પેનલ નક્કી કરશે કે પક્ષપલટુ ધારાસભ્યોને ટિકીટ આપવી કે નહીં.
જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે સોમાભાઈ પટેલ, મંગળ ગાવિત અને પ્રવીણ મારૂને ભાજપમાં જોડવા માટે આમંત્રણ આપ્યું નથી. તેમને કદાચ ભાજપ ફરીથી ટિકીટ આપવાના મૂડમાં નથી. પક્ષપલટો કર્યા પછી આ ત્રણ ધારાસભ્યોની સ્થિતિ કફોડી બની છે. કદાચ એવું બની શકે કે તેમને બોર્ડ નિગમના ચેરમેન પદ અપાય. પણ કોંગ્રેસ સાથે છેડો ફાડો તો તમને ટિકીટ આપીશું તેવું વચન આપ્યું હોવાથી હાલ તો ભાજપ પણ વિમાસણમાં મુકાઈ ગયો છે. મોરબી બેઠક પર પણ બ્રિજેશ મેરજા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે અત્યારથી જ ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બીજીતરફ ધારીમાં મહિલા ઉમેદવાર આવે તેમ છે, ત્યારે પક્ષપલટુ જે.વી. કાકડિયા તેમના પત્ની માટે ટિકીટ માગી રહ્યાં છે.
8 બેઠકોની પેટાચૂંટણીના જાહેરાત ચૂંટણી પંચે કરી નથી, તે પહેલેથી ભાજપ અને કોંગ્રેસે તલવારો સજાવી રાખી છે. આ 8 બેઠકો જીતવા માટે કોંગ્રેસ પ્રતિષ્ઠાનો જંગ બનાવશે. અને ભાજપ આ 8 બેઠકો જીતીને બતાવી આપશે કે હજી ભાજપનો જ સિક્કો ખરો છે. હવે વાત અતિમહત્ત્વની એ છે કે ચૂંટણી ઈન્ચાર્જ જે રીપોર્ટ આપશે અને ત્યાર પછી મોવડીમંડળ નક્કી કરશે તેને ટિકીટ મળશે. પણ ભાજપમાં અસંતોષ ઉભો થવાનો છે, તે નક્કી છે. ભાજપના અસંતુષ્ઠ નેતા બળવો પણ કરી શકે, તેના માટે ભાજપે તૈયારી રાખવી પડશે.
ભરત પંચાલનો રીપોર્ટ, બ્યૂરો ચીફ, ગુજરાત