- રોજકા ગામના નિવૃત્ત તલાટીએ લૉકડાઉનના સમયનો કર્યો ઉપયોગ
- નિવૃત્ત તલાટી યાકુબ કોઠારિયાએ કબ્રસ્તાનમાં કર્યું વૃક્ષારોપણ
- 2500થી વધારે છોડવા વાવી કબ્રસ્તાનને બનાવી દીધું લીલુંછમ
અમદાવાદઃ રોજકા ગામના નિવૃત તલાટી કમ મંત્રી યાકુબ કોઠારિયાને લૉકડાઉન જેવી આફતને અવસરમાં પલટવાનો વિચાર આવ્યો હતો એટલે તેમણે મુસ્લિમ કબ્રસ્તાનને લીલુંછમ બનાવવા બીડુ ઝડપ્યું હતું. તેમણે આ સમયનો ઉપયોગ કરી સાડા બાર વીઘાં કબ્રસ્તાનની જગ્યામાં વૃક્ષારોપણ કર્યું છે. તેઓ 27 માર્ચથી કબ્રસ્તાનમાં સવારે ફરજની નમાઝ અદા કરી ત્યાં જ જમતા હતા. ફૂલ છોડને પાણી પીવડાવી તેનું જતન કરતા હતા.
હાલમાં તમામ વૃક્ષ જીવિત મુદ્રામાં જોવા મળે છે
આ પ્રવૃત્તિમાં મુસ્લિમ સમાજના સહકારથી તેઓ 2500 વૃક્ષો વાવવામાં સફળ થયા. યાકુબ ભીખુભાઈ કોઠારિયા ધંધુકા તાલુકાના રોજકા ગામના રહેવાસી છે. હાલમાં તેઓ વ્યાખ્યાતા વિઝિટિંગ ફૅકલ્ટી, તલાટી કમ મંત્રીના તાલીમ કેન્દ્રો, ગુજરાત રાજ્ય રેડિયો નાટકો અને વાર્તાલાપ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. માર્ચ મહિનાના અંતિમ તબક્કામાં કાળઝાળ ગરમી અને ભાલ પ્રદેશની ભોમકાની ગરમીથી ફૂલછોડ, ફળફળાદીના છોડવા તેમ જ અન્ય છોડવા મળી કુલ 2500થી વધુ છોડવા સુકાવા લાગ્યા હતી. તેમને ગ્રામજનો પણ સહકાર મળ્યો ને કોઈ પણ ભોગે વાવેલા વ્રુક્ષોને જીવિત રાખવા કમર કસી, સવારથી સાંજ સુધી કબ્રસ્તાનની જગ્યાએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવું અને જતન કરવાની નેમ લઈ સતત કાર્ય કરતા રહ્યા ત્યારે આજે કબ્રસ્તાનની જગ્યામાં તમામ વૃક્ષો જીવિત મુદ્રામાં જોવા મળી રહ્યા છે.
કઈ રીતે સમગ્ર કામગીરી કરાઈ?
લૉકડાઉન હળવું થયું એટલે ગામના તમામ ટ્રેક્ટરમાં ખેતરમાંથી 600 ટ્રેક્ટર માટી ભરીને કબ્રસ્તાનની જગ્યામાં પુરાણ કર્યું. જે આવા સમયમાં ગુજરી ગયા તેમના સંતાનોએ પ્રેત ભોજન, જિયારત, ચાલીસ મુ, વગેરે ખોટા ખર્ચની બચત કરેલી રકમમાંથી કબ્રસ્તાનમાં લાઈટ તથા પાણીની રૂમ, ચબુતરો, 400 મીટર પાણીની નોઝલ, ફેન્સિંગ તારની વાડ, સીસીટીવી કેમેરા ગોઠવી હતી. નીલગાય ભુજ તેમ જ પાલતુ પશુઓથી બચાવવા તમામ તકેદારી રખાઈ છે. આમ, નિવૃત તલાટી કમ મંત્રી યાકુબ કોઠારિયાએ જણાવ્યું કે, આ સેવાયજ્ઞમાં જાગીર ઘોઘારી, આદમભાઈ 108, જાહેર અબ્બાસ, અલાઉદ્દિન તથા જાવેદ હેલ્પર સહિતના સતત મફત સેવા આપે છે. જ્યારે ગ્રામ્યજનો પણ ફ્રી સમયે પોતાની જાતે જ કબ્રસ્તાનમાં આવી ફૂલ છોડવાઓ તેમ જ અન્ય વૃક્ષોને પાણી પીવડાવવું અને જતન કરવાની એવા અદા કરી રહ્યા છે.