ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાની અસર બાદ દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદે જળબંબાકાર સ્થિતિ કરી દીધી છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 100થી વધારે તાલુકાઓ જળબંબાકાર થયા છે. જોકે, હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ શુક્રવારથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના કાઠાળા જિલ્લાઓમાંથી વરસાદની શરૂઆત થશે. પછી નવી સિસ્ટમની અસર અતંર્ગત જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ થશે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળશે. છેક આગામી બુધવાર સુધી મેઘાવી માહોલ જોવા મળી શકે છે.
સૌથી વધારે દ્વારકામાંઃ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. ગુરૂવારે સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો હતો. 9 ઈંચ વરસાદથી કૃષ્ણભૂમિ પાણી પાણી થઈ ગઈ હતી. ગોમતી નદી ઘાટની સપાટીથી બરોબર થઈને વહી રહી હતી. કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં 100 ટકાથી વધારે વરસાદ રેકોર્ડ થયો છે. જ્યારે આ સીઝનનો સૌથી વધારે વરસાદ કચ્છ પંથકમાં પડ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં ત્રણ દિવસ સુધી ધાબડીયું વાતાવરણ જોવા મળશે. જોકે, ગુરૂવારે બપોરે પડેલા વરસાદને કારણે અમદાવાદની રાત ઠંડક ભરી અનુભવાઈ હતી.
દ્વારકામાં રેસક્યૂઃ સતત વરસાદને કારણે પાણી ભરાતા દ્વારકા પોલીસે રેસક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિ ખસેડવા માટે કામગીરી કરવામાં આવી હતી. મંદિર પરિસરથી લઈને મુખ્ય બજાર સુધી નદીઓ વહી રહી હતી. સવારથી શરૂ થયેલા વરસાદે દ્વારકાના હાલ બેહાલ કરી દીધા હતા. જ્યારે કાલાવડ પંથકની તમામ નાની મોટી નદીમાં ઘોડાપુર જોવા મળ્યા હતા. કાલાવડી અને ફૂલકડી નદી ગાંડીતુર થઈ હતી. ખંભાળીયા સુધી વરસાદ રહેતા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનોની રફતાર ધીમી પડી હતી.
ચાર દિવસ ભારેઃ દેશના હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી હાલ તો કોઈ છૂટકારો મળવાનો નથી. આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માત્ર હળવા વરસાદના છાંટા વરસી શકે, જ્યારે મહાનગર અમદાવાદ અને રાજકોટમાં માત્ર સામાન્ય કહી શકાય એવો વરસાદ થશે. જ્યારે વાપી, સુરત, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, કોડીનાર, જામનગર, કાલાવડ, દેવભૂમિ દ્વારકા, ઓખા, કલ્યાણપુર, ખંભાળીયા, રાજકોટ, ભાવનગર પંથકમાં સતત વરસાદ પડી શકે છે.