ખેડા: પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ સૌરાષ્ટ્રના તાલુકાના ગામોમાં ઉનાળામાં પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે આ સ્થળોની મુલાકાત લીધી હતી.આ અંગે મેનેજર, ઇજનેરો સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.
પરિએજ અને કનેવાલ તળાવ તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિવિધ વિભાગોનું જીણવટ ભર્યુ અવલોકન કરી પાણીના શુદ્ધિકરણ અને ક્લોરીનેશન સહિતની વિગતો મેળવી સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પ્રસંગે પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે પીવાના પાણીની સુવિધાને અગ્રતા આપીને કોરોના મહામારી અને લોકડાઉનમાં પણ છેવાડાના ગામોમાં વસતા લોકોને સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.જેથી ગ્રામજનોને આગામી દિવસોમાં પીવાના પાણીની તંગી ન વર્તાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.દૂરના ગામો સુધી સહેલાઇથી પાણી પહોંચાડી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.પૂર્ણ ક્ષમતા સાથે દરેક ગામ સુધી સમયસર પીવાનું પાણી પહોંચે તે માટે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે.