અમદાવાદ : વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સુરતથી ઝડપાયેલા બે આરોપીની ધરપકડ બાદ 15 ગુનાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ સાઇબર ક્રાઈમે આ મામલે ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ નામના સુરતના બે શખ્સોની ધરપકડ કરી છે.
લાખો રૂપિયાની છેતરપિંડી : આ બન્ને આરોપીએ સાથે મળી છેતરપિંડીનો એવો માર્ગ શોધી કાઢ્યો કે છેલ્લા 4 વર્ષથી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી નાખી. અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની સાથે છેતરપિંડી આચરતા હતાં. જેમા આરોપીઓ પોલીસથી બચવા માટે ભોગ બનનારના બેંક અકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનારના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતાં.
14 લોકો સાથે છેતરપિંડી કરી : આરોપીઓએ છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકીકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને અગાઉ બેંકમા એકાઉન્ટ ખોલવાની સામાન્ય નોકરી કરતો હતો. જ્યાંથી તે પોતાનું બેંક અકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો હતો. જે બાદ આરોપીએ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતો હતો.
અન્યના બેંક અકાઉન્ટ અને સિમકાર્ડનો ઉપયોગ : આરોપી ઉમેશ ચૌહાણ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતો હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ પોલીસે 14 ગુનામાં ભોગ બનનારની હકીકત તપાસી, ત્યારે સામે આવ્યુ કે તમામ ગુનામા અન્ય ભોગ બનનારના બેંક અકાઉન્ટ અને સિમકાર્ડનો ઉપયોગ થયો છે.
આ પણ વાંચો Vadodara Crime : વિદેશ જવાના શોખની માટે લાલબત્તી, એજન્ટ બની 55 લાખની ઠગાઇ કરતો પકડાયો
સુરતનો એક વિસ્તાર લોકેટ થયો : અમદાવાદ સાયબર ક્રાઇમે સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકીકત અંગે તપાસ કરતા સુરતનો એક વિસ્તાર લોકેટ થયો. જ્યાં બન્ને આરોપીની સતત ચહલપહલ રહેતી હતી. સાથે જ સિમકાર્ડના લોકેશનના આધારે તપાસ કરી પોલીસે આરોપીને તેના અવાજ અને વાત કરવાની રીત પરથી ઝડપી પાડ્યા હતાં.
મોડસ ઓપરેન્ડી : બન્ને આરોપીઓની ગુનાની મોડસ ઓપરેન્ડી સમજવા માટે સાયબર ક્રાઈમે પુછપરછ શરૂ કરી ત્યારે હકીકત સામે આવી કે આરોપી ન્યુઝ પેપરમા જાહેરાત આપવા માટે પણ મુંબઈના એક યુવકનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. જે યુવકને ક્યારેય આરોપીને મળ્યા નથી. પરંતુ તેને રૂપિયા અલગ અલગ ભોગ બનનારના ખાતામા રૂપિયા પહોચી જતા હતાં. જેથી આ ગુનામા સાયબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સાઇબર ક્રાઇમ પોલીસની અપીલ : આ અંગે શહેર સાઇબર ક્રાઇમ ACP જે.એમ યાદવે લોકોને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બન્યો હોય, તો તે તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી શકે છે. જેથી કરીને પોલીસ તેમને ગુમાવેલી રકમ પરત આપવામાં મદદ કરી શકે.