અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ પાસે એક યુવક હાથમાં બંદૂક લઇને જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા જઈ રહ્યો હતો. જો કે જાહેરમાં યુવકને બંદુક સાથે જોઈને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
બંદુક સાથે દુકાનમાં પ્રવેશ્યો યુવક: મણીનગર ચાર રસ્તા પાસે આવેલા વૃંદાવન જ્વેલર્સમાં સાંજના સમયે વેપારી દુકાનમાં હાજર હતા. તે સમયે અચાનક એક વ્યક્તિ પોતાના હાથમાં એક બેગ લઈને શોરૂમમાં પ્રવેશે છે અને પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી પ્રવેશેલો યુવક પોતાની પાસે રહેલા થેલામાંથી બંદુક કાઢી વેપારીની સામે ધરી દે છે. વેપારી ફોન ઉપર વ્યસ્ત હતા અને અચાનક જ યુવકને હથિયાર સાથે શોરૂમમાં પ્રવેશેલો જોઈને તેઓએ પ્રતિકાર કર્યો હતો અને યુવકે શો રૂમમાંથી બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
યુવકે હવામાં ફાયરિંગ કર્યું: જોકે વેપારીએ બુમાબુમ કરતા આસપાસ રહેલા લોકોનું ટોળું યુવકને પકડવા માટે દોડ્યું હતું. તે સમયે યુવકે પોતાની પાસે રહેલી બંદુકથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. યુવકે હવામાં ફાયરિંગ કરતા જ લોકોનું ટોળું વધુ માત્રામાં એકઠું થયુ હતું અને યુવકને પકડીને પોલીસને જાણ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશન 300 મીટર નજીક જ હોઇ, પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો અને શો રૂમના સીસીટીવી સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે જ્વેલર્સ વેપારીની ફરિયાદ લઈને આરોપી સામે લૂંટના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
યુવક આર્મીમેન હોવાનું જણાવ્યું: પોલીસે યુવકને પકડીને પોલીસ મથકે લાવી તેની પુછપરછ હાથ ધરી હતી. જેમાં યુવકનું નામ લોકેન્દ્રસિંગ શેખાવત હોવાનું અને તે મૂળ જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. યુવક આર્મીમાં જમ્મુ કાશ્મીર ખાતે 109 મરાઠા લાઈટ ફ્રન્ટ લાઈન બટાલિયનમાં ફરજ બજાવતો હોવાનું અને 5.50 લાખનું દેવું થઈ જતા તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની માહિતી પોલીસને આપી હતી. યુવક અગાઉ એક જગ્યાએથી તેને મળેલી બંદુક સાથે જયપુરથી ટ્રેન મારફતે અમદાવાદમાં આવ્યો હતો અને ખોખરા પાસે આવેલી એક હોટલમાં રોકાયો હતો અને આ જ્વેલર્સની દુકાનમાં સાંજના સમયે લૂંટનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી છે.
" આરોપી ખરેખર આર્મીમાં ફરજ બજાવે છે કે કેમ, તેમજ તે હથિયાર કોની પાસેથી અને કેટલા રૂપિયામાં લાવ્યો હતો અને તેની સાથે આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા યુવક પાસેથી મળી આવેલા હથિયારને લઈને પણ તેની તપાસ હાથ ધરવામાં આવશે." - પ્રદીપસિંહ જાડેજા, ACP, જે ડિવિઝન, અમદાવાદ
MP: ચંબલમાં ફરી ગોળીબાર! જમીન વિવાદમાં ફાયરિંગમાં 6ના મોત, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો
Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો