અમદાવાદ : વલસાડના વેપારીએ 3 કરોડ 55 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરીયાદના આધારે EOW ક્રાઇમ બ્રાંચએ વલસાડના વેપારી સાથે થયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં વલસાડથી આરોપીની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચ દ્વારા મૂળ વલસાડના વિમલ પટેલની ધરપકડ કરવામા આવી છે. આરોપી વલસાડમાં દર્શી પેપરના નામથી પેપર લે-વેચનો વ્યવસાય કરે છે. આરોપીએ અમદાવાદના વેપારી સાથે 3 કરોડ 55 લાખ રૂપિયાની રકમ ન આપીને છેતરપિંડી કરી હતી.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના પારસ પેપર્સ અને મયુર પેપર્સ નામની કંપનીના માલિક પાસેથી વર્ષ 2022ના ફેબ્રુઆરી માસથી મે માસ સુધીમાં કુલ 45 ટ્રક પેપર મેળવ્યા હતા, જેની કુલ કિંમત 4 કરોડ 70 લાખ થવા પામી હતી, જેમાંથી આરોપી વિમલ પટેલે અમદાવાદના વેપારીને એક કરોડ 15 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકીના પૈસા પછીથી આપવા કહ્યું હતું.
આરોપીએ આપેલા ચેક બાઉન્સ : ત્યારે એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ અમદાવાદના વેપારીના 3 કરોડ 55 લાખની રકમ ચૂકવી ન આપી હતી, ત્યારે અમદાવાદના વેપારીએ પોતાની ઉઘરાણી શરુ રાખી હતી. જેમાં વલસાડના આરોપી વેપારી વિમલ પટેલ એ અલગ અલગ બેન્કના કુલ 8 ચેક આપ્યા હતા. જે ચેક અમદાવાદના વેપારી દ્વારા બેન્કમાં ભરતા ચેક બાઉન્સ થયા હતા. જે અંગે પણ અમદાવાદના વેપારીએ કોર્ટ મારફતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે પણ પૈસા ન આપતા અંતે અમદાવાદના વેપારીએ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.
વેપારીની ફરિયાદ નોંધાતા મામલે તપાસ હાથ ધરી ગુનામાં સામેલ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, આરોપીએ ફરિયાદી વેપારી સિવાય અન્ય કોઈ વેપારીઓ પાસેથી માલ કે અન્ય વસ્તુઓ લઈને પરત પૈસા પરત કર્યા છે કે કેમ અથવા તો છેતરપિંડી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે તેના રિમાન્ડ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. - એમ.એન ચાવડા (ACP)
રકમ નો ચૂકવવાના કેસમાં ધરપકડ : ત્યારે આમ સમગ્ર મામલે વેપારીની ફરિયાદના આધારે અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચ તપાસ કરતા પ્રાથમિક તપાસમાં છેતરપિંડી જણાતા વલસાડના આરોપી વેપારી વિમલ પટેલની 3 કરોડ 55 લાખની રકમ ન ચૂકવવાના કેસમાં ધરપકડ કરી છે.