અમદાવાદ: UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ઇશીતા કિશોર, ગરિમા લોહિયા અને ઉમા હરાથીનો ટોપ થ્રીમાં સમાવેશ થયો છે. અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં 16 ઉમેદવારો સફળ થયા છે. આ વખતે મહિલાઓએ મેદાન માર્યું છે અને UPSCના પરિણામમાં ટોપ 10માંથી 6 મહિલા અને 4 પુરુષ ઉમેદવારનો સમાવેશ થાય છે.
સ્પીપાનો દબદબો: UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં ગુજરાતીઓ પણ પાછળ નથી રહ્યા. અમદાવાદ ખાતે કાર્યરત સ્પીપાના 16 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. અમદાવાદ સ્પીપાનો ઉમેદવાર અતુલ ત્યાગીએ 145મો રેન્ક મેળવ્યો છે. સપ્ટેમ્બર 2022માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પર્સનાલિટી ટેસ્ટ યોજાયા હતા.
16 ગુજરાતીઓ ઉતીર્ણ: અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓની વાત કરીએ તો દુષ્યંત ભેડા (262 રેન્ક), વિષ્ણુ શશિકર (394 રેન્ક), ચંદ્રેશ શખાલા (414 રેન્ક), ઉત્સવ જોગણી (712 રેન્ક), માનસી મીણા (738 રેન્ક), કાર્તિક કુમાર (812 રેન્ક), મૌસમ મહેતા (814 રેન્ક), મયુર પરમાર (823 રેન્ક), આદિત્ય અમરાણી (865 રેન્ક), કેયુરકુમાર પારગી (867 રેન્ક), નયન સોલંકી (869 રેન્ક), મંગેરા કૌશિક (894 રેન્ક), ભાવના વાઢેર (904 રેન્ક), ચિંતન દૂધેલા (914 રેન્ક) અને પ્રણવ ગાઈરેલા (925 રેન્ક) છે.
ગત વર્ષ કરતા આ વખતના પરિણામમાં સુધારો: ગત વર્ષે UPSCમાં ગુજરાતના માત્ર 6 ઉમેદવારો જ પાસ થયા હતા, જેમાં કોઈ મહિલા નહતી. જો કે આ વર્ષે માનસી મીણા અને ભાવના વાઢેર નામની બે મહિલા ઉમેદવારોએ મેદાન માર્યું છે.
આટલા કેન્ડિડેટ્સ ક્વોલિફાઈ થયા: ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.