અમદાવાદ: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શુક્રવારે સાંજે રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. જે કેસમાં ષડયંત્રકાર તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પૂર્વ સાંસદ અતિક અહેમદનું પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઉમેશ પાલ અને ગનમેનની હત્યા મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અતિક અહેમદની પૂછપરછ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સાબરમતી જેલમાં છેલ્લા ચાર વર્ષથી બંધ: આ સમગ્ર મામલે ષડયંત્રકાર તરીકે જેનું નામ ચર્ચાઈ રહ્યું છે તે અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છેલ્લા ચાર વર્ષથી સજા કાપી રહ્યા હોય તેઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં પણ રાખવામાં આવ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટી ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
હાઈ સિક્યુરિટી બેરેકમાં બંધ: આ અંગે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ એસ.પી. જે. એસ ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષ 2019થી અતિક અહેમદ સાબરમતી જેલમાં આઈ સિક્યુરિટી બેરેકમાં બંધ છે. અત્યાર સુધી તેની પાસેથી કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવી નથી. ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા હજુ સુધી અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી.
રાજુ પાલની હત્યાના સાક્ષીની હત્યા: શુક્રવારે ઉમેશ પાલ અને તેના ગનમેનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ઉમેશ પાલ રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. ગાડીમાંથી ઉતરતાંની સાથે જ તેના ઉપર ઉપરાછાપરી ફાયરિંગ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. અતિક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે.
આ પણ વાંચો: Umesh Pal Murder: સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની પત્નીએ કહ્યું- મારા પતિને મારવાની થાય છે સાજીશ
મુખ્યપ્રધાન યોગીને લખ્યો પત્ર: અતિક અહેમદની પત્નીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને યુપી પોલીસ અતિક અહેમદની હત્યા કરી શકે છે. તેવી રજુઆત કરી ઉમેશ પાલની હત્યા કેસમાં CBI તપાસની માંગ કરી છે. આ મામલે અતિક અહેમદની પત્ની શાહીસ્તા પરવીને કોર્ટની પણ મદદ માગી છે. તેઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રયાગરાજ પોલીસ કમિશનર રમત શર્મા અને એડીજી STF અમિતાભ યશ વિરોધીઓ સાથે મળીને અતિક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યાની સોપારી લીધી છે.
અતિકના નાનાભાઈને આપી હતી હાર: અતિક અહેમદ વર્ષ 2004માં અતિક અહેમદે ઉત્તરપ્રદેશની ફૂલપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના પક્ષમાં ટિકિટ લઈને જીત મેળવી હતી. જે પહેલા અતિક અહેમદ ઇલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. પરંતુ તેઓના સાંસદ બન્યા પછી તે સીટ ખાલી થઈ હતી. થોડાક સમય પછી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. જે સીટ પર સમાજવાદી પાર્ટીએ અતિક અહેમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. જે ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી ઉમેદવાર રાજુ પાલે અતિક અહેમદના નાના ભાઈને હરાવ્યા હતા.
રાજુ પાલની હત્યા: જાન્યુઆરી 2005ના દિવસે પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુ પાલની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં દેવીપાલ અને સંદીપ યાદવ નામના બે વ્યક્તિઓના પણ મોત થયા હતા. જે ગુનામાં મુખ્ય આરોપી અતિક અહેમદ હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉમેશ પાલની પત્નીએ હત્યાનો આરોપ અતિક અહેમદ પર લગાવ્યો છે. પોલીસે ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. જેમાં અતિક અહેમદની સાથે તેનો ભાઈ, પત્ની શાહીસ્તા પરવીન અને તેના બંને દીકરાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પ્રયાગરાજ પોલીસે અતિક અહેમદના બંને દીકરાઓની સાથે અંદાજે 14 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.