અમદાવાદ : અસલાલી પોલીસ મથકમાં એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પાર્સલમાં ગઠિયાઓએ એક ફોર્મ અને કુપન મોકલી હતી. કુપન સ્ક્રેચ કરતા જ 8.50 લાખ જીત્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઠગાઈનો ભોગ બનનારે ફોર્મમાં બેન્ક એકાઉન્ટની વિગતો ભરીને વોટ્સએપમાં મોકલી હતી. ત્યારબાદ ગઠિયાઓએ 13 હજાર રૂપિયા ટેક્સ અને ચાર્જના નામે પડાવી લીધા હતા.
ઈનામ જીત્યાની લોલીપોપ : લાંભામાં રહેતા પ્રવિણ ચૌહાણે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી છે. FIR મુજબ એક કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ઠગાઇ કરી હતી. ગઠિયાએ કુરિયરથી કુપન મોકલી ઇનામમાં 8.50 લાખ રૂપિયા જીત્યા હોવાનું જણાવી ચાર્જના નામે રૂ. 13 હજાર પડાવ્યા હતા. પ્રવિણ ચૌહાણે એક ઓનલાઇન શોપિંગ એપ્લીકેશન પરથી ખરીદી કરી હતી.
આમ કરી ઠગાઈ : પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ત્રણેક માસ પહેલા પ્રવિણ ચૌહાણને ત્યાં એક પાર્સલ આવ્યું હતું. પાર્સલમાંથી એક ફોર્મ અને કુપન નીકળી હતી. જે કુપન પર સ્ક્રેચ એન્ડ વિન લખ્યું હતું. કુપન સ્ક્રેચ કરતા તેમાં તમે રુ. 8.50 લાખ કેસ જીત્યાનું લખ્યું હતું. કુપન સાથે એક કોડ અને એક ફોર્મમાં બેંક એકાઉન્ટની વિગતો આપવા જણાવ્યું હતું. ફરીયાદીએ આ ફોર્મ વોટ્સએપ કર્યુ હતુ. જોકે, બાદમાં ગઠિયાએ અલગ-અલગ ચાર્જ અને ટેક્સ પેટે 13 હજાર પડાવ્યા હતા. જ્યારે ઈનામની કોઈ રકમ ન મળતા ઠગાઈનો ભોગ બન્યાનું ધ્યાને આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. સમગ્ર મામલે અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગઠિયાએ ઈનામના નામે ચાર્જ અને ટેક્સની રકમના રુપે પૈસા પડાવ્યા હતા. આ અંગે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની તપાસ હાથ ધરી છે.-- એન.કે વ્યાસ (PI, અસલાલી પોલીસ મથક)
બ્લેકમેઈલની ફરિયાદ : જ્યારે અન્ય એક બનાવની મળતી માહિતી અનુસાર આરોપીએ બ્લેકમેઈલના આધારે પૈસા પડાવ્યા હતા. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર બારેજામાં રહેતા નરેન્દ્ર રાણાની પત્નીને ત્રણેક માસ પહેલા એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે યુ.કે.થી આવેલા પાર્સલમાં ગેરકાયદે વસ્તુ આવી હોવાનું કહી ફોટો મોકલ્યા હતા. બાદમાં પોલીસ અને મીડિયા આવશે તેમ કહી 15 હજાર પડાવી લીધા હતા. જે મામલે અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.