અમદાવાદ: થોડાક સમય પહેલા લગભગ સરખા પોઝિટિવ કેસ ધરાવતા દિલ્હી, તમિલનાડુથી ગુજરાત કોરોના સામેની રિકવરીમાં ઘણું પાછળ હતું જોકે ૨૪મી એપ્રિલથી 7મી મે સુધીના બે સપ્તાહના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 1644 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. ગુજરાત હવે રિકવરીમાં દિલ્હી, તમિલનાડુથી થોડુક પાછળ છે અને ઘણા રાજ્યો કરતા ખૂબ જ આગળ આવી ગયું છે. જો કે મે મહિનામાં મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
23-24મી એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કોરોનાથી દર્દીઓની સંખ્યા 265 હતી. જે 7 મે સુધીમાં વધીને 1709 પર પહોંચી છે. આ જ રીતે અમદાવાદમાં 24મી એપ્રિલ સુધીમાં 113 દર્દીઓએ કોરોનાને માત આપી હતી જેની સામે હવે અમદાવાદમાં 886 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતના રિકવરી રેટમાં પણ ધરખમ વધારો થયો છે. હાલ રિકવરી રેટ 24 ટકા જેટલું છે. જો કે કેરળનું રિકવરી રેટ સૌથી વધારે 93 ટકા જેટલું છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા કેસ સામે આવતા હોવાથી રિકવરી રેટને વધવામાં વધુ દિવસો લાગી રહ્યા છે.
23-24મી એપ્રિલના રોજ અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1881 હતી જે વધીને 4991 થઈ છે. આખા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7013 સુધી પહોંચ્યો છે જે પૈકી 425 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે અને 1709 તેને માત આપીને પાછા આવ્યા છે.