અમદાવાદ: ફતેવાડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે હાથી દાંત સાથે આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકતના આધારે ફતેવાડી ઇકબાલ ફામ સામે આવેલ ગોલરેજ રો- હાઉસના મકાનમાંથી પ્રતિબંધિત હાથી દાંત મળી આવતા આ મામલે 6 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે પાડ્યા દરોડા: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બોડકદેવમાં રહેતા અને ઇદગાહ ખાતે સીટી સેન્ટરમાં પ્રકાશ જૈન નામનો વ્યક્તિ હાથી દાંતનો વેપાર કરે છે અને પોતે કોઈ જગ્યાએ હાથી દાંત મૂકી રાખ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે એક ડમી ગ્રાહક મોકલીને પ્રકાશ જૈનનો સંપર્ક કર્યો હતો. પ્રકાશ જૈને ડમી ગ્રાહકને ફતેવાડી પાસે ગુલરેજ રો હાઉસના એક મકાનમાં લઈ ગયો હતો. ત્યાં પહોંચીને ડમી ગ્રાહકે ક્રાઈમ બ્રાન્ચને ઈશારો આપતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘરમાં પહોંચી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી
ચાર આરોપીઓની ધરપકડ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં જમીન ઉપર એક સફેદ કપડા ઉપર એક મોટો હાથી દાંત પડેલો જણાયો હતો. જેથી આ સમગ્ર મામલે પ્રકાશ ચુનીલાલ જૈન તેમજ દાઉદ ખોખર, રાબિયા ખોખર અનીશ ખોખર નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ અને હાથી દાંત કબ્જે કરી હાથી દાંતમાંથી થોડો ભાગ કાપી તેનું સેમ્પલ દહેરાદુન એફએસએલ ખાતે મોકલાયું છે. આ સમગ્ર મામલે 13 કિલો 900 ગ્રામની વજનનો હાથીદાંત મળી આવ્યો છે.
"આરોપીઓ વેરાવળના વોન્ટેડ આરોપીઓ પાસેથી આ હાથીદાંત લાવ્યા હતા અને 35 લાખમાં તેને વેચીને 30 લાખ મુખ્ય આરોપીઓને આપવાના હતા. જોકે આ મામલે પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે." - એ.ડી પરમાર, PI, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
આરોપીઓની પૂછપરછ: આ મામલે ઝડપાયેલા આરોપી પ્રકાશ જૈનની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે વર્ષ 1992થી 2006 સુધી તમિલનાડુ રાજ્યના સેલમ વિસ્તારમાં રહેતો હતો અને ચંદન ચોર વીરપ્પનના ગામ કોલ્તુર ખાતે અવારનવાર આવતો જતો રહેતો હતો અને વીરપ્પનની પત્નીના નામથી પણ વાકેફ હતો. વિરપ્પનના ગેંગના માણસો પાસેથી વધારે માત્રામાં હાથી દાંત જોઈતા હોય તો મંગાવી આપશે તેવું તપાસ દરમિયાન સામે આવ્યું છે. આ મામલે મળી આવેલ હાથીદાંત 35 લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું.
આરોપીના ચાર દિવસના રિમાન્ડ: પ્રકાશ જૈને હાથીદાંત વેચવા માટે મદદ કરી હતી તેમજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સુપાસી ગામના રહેવાસી અબ્દુલ કરીમ કબરાણી અને તેનો દીકરો શેહબાજ કબરાણી એક મહિના પહેલા અમદાવાદમાં વેચાણ ખાતે મૂકી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મામલે મળી આવેલા હાથીદાંત સિવાય આરોપીઓએ અન્ય કોઈ વન્ય પ્રાણીના શરીરના અંગોની હેરાફેરી કે લે-વેજ કરી છે કે કેમ તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: એશિયામાં સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું મૃત્યું,જાણો હવે શું થશે એના દાંતનું
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો: જોકે આ ગુનામાં પકડાયેલા આરોપીઓને હાથી દાંત આપનાર વેરાવળના અબ્દુલ કબરાણી અને શાહેબાજ કબરાણી નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે IPC ની કલમ 379, 411,120B, તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 39, 43(1), 43(2), 44, 49(B), 50, 51(1), 52 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.