હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવે છે, પરંતુ આ બધા એલર્ટ પોલીસ માટે નથી હોતા, પોલીસને ગરમી હોય, ઠંડી હોય કે પછી વરસાદ તમામ ઋતુ એક સમાન સમજીને પોતાની ફરજ નિભાવવાની જ હોય છે. 44 ડિગ્રી ગરમીમાં લોકો માટે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ તડકામાં ખડે પગે ઉભા રહીને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે.
ગરમીના સમયમાં ડીહાઇડ્રેશન ન થાય અને એનર્જી રહે તે માટે ટ્રાફિક શાખા તરફથી દરેક ટ્રાફિકના પોઇન્ટ ઓર ટ્રાફિકના જવાનો માટે ORS આપવામાં આવે છે. આ પીવાથી ગરમીમાં રાહત તો નથી મળતી પરંતુ, ગરમીમાં કામ કરવાની એનર્જી વધે છે.
અમદાવાદમાં કાલુપુર સર્કલ હંમેશા ટ્રાફિકથી ભરપૂર હોય છે ત્યાં અંદાજીત 50 જેટલા ટ્રાફિક પોલીસના કર્મી કામ કરી રહ્યા છે ત્યારે બહાર બપોરે પણ ટ્રાફિકની સમસ્યા ન થાય અને નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસકર્મી પરસેવે રેબઝેબ થઈને પણ 44 ડિગ્રી ગરમીમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર પોતાની સગવડ માટે જ નહીં પરંતુ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગના ASI એસ.એલ.ક્લાસવાના જણાંવ્યા મુજબ ગરમી ગમે તેવી હશે પરંતુ તે તેમની ફરજ નિભાવવાનું ક્યારેય નહીં ચુકે.